Loading Please Wait !!!
આજથી મનરેગાના સ્થાને VB-G RAM G કાયદો દેશભરમાં લાગુ

  • 125 દિવસ રોજગારની ગેરંટી અને દૈનિક વેતનમાં 28.6 રૂપિયાનો વધારો
  • રોજગાર ગેરંટી કાયદામાં ધરખમ ફેરફાર, કામદારોનું વેતન 327.4 રૂપિયા કરાયું
  • વિકસિત ભારત-રોજગાર મિશન અંતર્ગત 95692 કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરાઈ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા બુધવારથી મનરેગાના સ્થાને નવો વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) કાયદો, 2025 (VB-G RAM G) લાગુ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા અંતર્ગત હવે ગ્રામીણ વિસ્તારોમાં વર્ષમાં 100ના બદલે 125 દિવસ રોજગારની કાનૂની ગેરંટી મળશે. આ સાથે જ દેશભરમાં સરેરાશ દૈનિક વેતન 298.8 રૂપિયાથી વધારીને 327.4 રૂપિયા પ્રતિદિન કરવામાં આવ્યું છે. મજૂરી સમયસર મળી રહે અને કામ અવિરત ચાલુ રહે તે માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને 95692.31 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે.

આ કાયદાનો રાષ્ટ્રીય શુભારંભ 2 જુલાઈએ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના મુક્કાવરિપલ્લી ગામથી કરવામાં આવશે, જ્યાં લોકોને યોજના વિશે માહિતગાર કરી નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડનું વિતરણ કરાશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે સરકારે આ નવી સિસ્ટમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નવી વ્યવસ્થામાં પણ ગ્રામ પંચાયતો જ પહેલાની જેમ કામ નક્કી કરશે અને તેની દેખરેખ રાખશે, જેમાં ખાસ કરીને જળ સંરક્ષણ, ખેતી અને મહિલા સશક્તિકરણ સંબંધિત માળખાકીય કાર્યો પર વધુ ભાર મુકાશે.

અત્યાર સુધીમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ કાયદા માટે બજેટ ફાળવ્યું છે, જ્યારે 24 રાજ્યોએ પોતાની યોજના સત્તાવાર રીતે બહાર પાડી દીધી છે. આ યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો 60 અને 40 ના ગુણોત્તરમાં ઉઠાવશે. જોકે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. કાયદામાં એવી પણ જોગવાઈ છે કે ખેતીની વ્યસ્ત મોસમમાં રાજ્ય સરકારો વર્ષમાં વધુમાં વધુ 60 દિવસ માટે આ યોજના હેઠળ મળતા કામને મર્યાદિત કરી શકશે.

જૂના કાર્ડ પર રાહત નવી રોજગાર વ્યવસ્થા લાગુ થયા બાદ પણ જે શ્રમિકોના જોબ કાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયું છે, તેઓને તાત્કાલિક અસરથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. પ્રશાસન દ્વારા જ્યા સુધી નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડનું વિતરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મજૂરો તેમના જૂના જોબ કાર્ડના આધારે જ રોજગારી મેળવી શકશે અને તેમને વધેલા વેતનનો સીધો લાભ મળશે.