ઝેર જેવું પનીર આરોગ્ય વિભાગનો દરોડો : રાજકોટમાં ગંદકીમાં બનતું પનીરનું ગોડાઉન ઝડપાયું !
- 500 કિલ્લો પનીરનો જથ્થો સીઝ
- મોરબી રોડ પર ફૂડ લાયસન્સ વગર બજારમાં હજારો કિલ્લો પનીર વેંચાઈ પણ ગયું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેણે ખાણીપીણીના શોખીન ગણાતા રાજકોટીયન્સની ઊંઘ હરામ કરી દીધી છે. લગ્નસંગ હોય, હોટલનું પંજાબી જમવાનું હોય કે પછી ઘરની રોજિંદી રસોઈ, પનીરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા આ ખાદ્યપદાર્થને લઈને આ મોટો ખુલાસો થયો છે. શહેરના મોરબી રોડ પર આવેલા એક વિસ્તારમાં કોઈ પણ જાતના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે પનીરનું ઉત્પાદન થતું હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ફૂડ શાખાની ટીમે ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. અત્યંત ગંદકીથી ભરેલી, દુર્ગંધ મારતી અને અસ્વચ્છ પરિસ્થિતિમાં, લોકોના જીવના જોખમે પનીર બનાવવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ અનેક ગંભીર ગેરરીતિઓ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું બહાર આવ્યું છે.
દરોડા દરમિયાન અધિકારીઓએ જોયું હતું કે સ્વચ્છ સ્વચ્છતાના મૂળભૂત ધોરણો સુધી પણ પહોંચ્યું નહોતું ત્યાં દીવાલો પર ગંદકી અને ભેજના ડાઘ, છત તૂટેલી અને જોખમી હાલતમાં, આસપાસ કચરાનો ઢગલો અને ફ્રીઝર અને મશીનો ગંદા અને બિનસ્વચ્છ હતી. આ પરિસ્થિતિમાં બનાવાતું પનીર સીધું લોકોના આરોગ્ય માટે જોખમકારક હોવાનું સ્પષ્ટ થયું. પરિસ્થિતિની ગંભીરતા સમજી આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધા અને તાત્કાલિક ધોરણે સમગ્ર યુનિટને સીલ કરવામાં આવી છે સાથે ખાદ્ય નમૂનાઓ તપાસ માટે લેબમાં મોકલાયા અને માલિક સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આવી બેદરકારી સહન નહીં કરવામાં આવે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં
આ બનાવે શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા કર્યા છે. રોજિંદા ઉપયોગમાં આવતું પનીર જો આવી ગંદકી પરિસ્થિતિમાં બનતું હોય, તો તે લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોનો સવાલ છે કે...
-
આવી ગેરકાયદેસર યુનિટ્સ કેટલા સમયથી ચાલી રહી હતી?
-
શું નિયમિત ચેકિંગ થતું હતું કે નહીં? આ ઘટના માત્ર એક યુનિટ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર મોનિટરિંગ સિસ્ટમ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. જો સમયસર તપાસ થતી, તો કદાચ આ ગેરરીતિઓ પહેલા જ બહાર આવી શકી હોત. આરોગ્ય વિભાગ હવે શહેરમાં અન્ય ફૂડ યુનિટ્સ પર પણ કડક નજર રાખવાની જાહેરાત કરી છે. આવનારા દિવસોમાં વધુ દરોડાઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.