આભાર ધોળકિયા સ્કૂલ...અંતે દિકરીઓને RTE હેઠળ મળ્યું એડમિશન
- સિટી ન્યૂઝ ઈફેક્ટ : 26 દિવસની લડત પછી દિકરીઓના ચહેરા ઉપર સ્મિત
- સિટી ન્યૂઝની લડત કોઈ સ્કૂલ સામે ન્હોતી, સિસ્ટમ અને દિકરીઓના ભવિષ્ય માટે હતી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં શિક્ષણના હક્ક માટે ચાલી રહેલી એક મહત્વપૂર્ણ લડતનો આજે સુખદ અંત આવ્યો છે. ધોળકિયા સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ ન મળતા ૨૬ દિવસથી સંઘર્ષ કરી રહેલી ગરીબ પરિવારોની દિકરીઓને અંતે આજે એડમિશન આપવામાં આવ્યું, જેના કારણે બાળકો અને તેમના વાલીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી.
એડમિશન મળ્યા બાદ વાલીઓએ સિટી ન્યૂઝ ટીમનો આભાર વ્યક્ત કર્યો, પરંતુ ટીમે સ્પષ્ટ કહ્યું કે... “આભાર અમારો નહીં, ધોળકિયા સ્કૂલનો માનવો જોઈએ, જેમણે આ વિવાદ વચ્ચે માનવતા દાખવી દિકરીઓને સ્વીકારી.” આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે RTE હેઠળ એડમિશન મળવું જોઈએ તેવી દિકરીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો. વાલીઓએ સિટી ન્યૂઝ ઓફિસનો સંપર્ક કરી પોતાના પુરાવા રજૂ કર્યા બાદ આ મુદ્દે અભિયાન શરૂ કરાયું. સ્પષ્ટ એલાન કરવામાં આવ્યું કે... “જ્યાં સુધી દિકરીઓને ન્યાય નહીં મળે, ત્યાં સુધી લડત ચાલુ રહેશે.”
સિટી ન્યૂઝ ટીમે પણ સ્પષ્ટતા કરી કે તેમનો વિરોધ કોઈ ચોક્કસ સ્કૂલ સામે નહીં, પરંતુ ગેસ્યવસ્થિત સિસ્ટમ સામે હતો. આ લડતનો એકમાત્ર ઉદ્દેશ ગરીબ અને વંચિત દિકરીઓને તેમના અધિકાર મુજબ શિક્ષણ અપાવવાનો હતો. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. સરકારે નક્કી કરેલા RTE પ્રવેશમાં કોઈ પણ સ્કૂલ ઈન્કાર કરી શકે નહીં. આ નિયમને કરી એકવાર મજબૂત બનાવવામાં આવ્યો છે.
આજે ૨૬ દિવસ બાદ જ્યારે દિકરીઓને સ્કૂલમાં પ્રવેશ મળ્યો, ત્યારે તે માત્ર એડમિશન નહીં, પરંતુ ન્યાયની જીત તરીકે જોવામાં આવી રહી છે. સિટી ન્યૂઝ ટીમ માટે આ ક્ષણ સંતોષભરી રહી, કારણ કે આ સમગ્ર અભિયાનનો હેતુ માત્ર એક હતો. ટીમે અંતમાં ધોળકિયા સ્કૂલનો આભાર માનતા જણાવ્યું કે... “આજે તમે માનવતા દાખવી છે, આવનારા સમયમાં સારા કાર્ય માટે પણ અમને યાદ કરજો, અમે પોઝિટિવ સમાચાર પણ જરૂર બતાવીશું.” આ ઘટના એ બતાવે છે કે જો સત્ય માટે અવાજ ઉઠાવવામાં આવે અને સતત પ્રયત્ન કરવામાં આવે, તો અંતે ન્યાય મળી રહે છે. રાજકોટીની આ દિકરીઓ માટે આજે માત્ર સ્કૂલનો દરવાજો જ નહીં, પણ ભવિષ્યના નવા રસ્તાઓ ખુલ્યા છે.