Loading Please Wait !!!
રાજકોટમાં 1 વર્ષથી રોડ ખોદીને ભૂલી ગયું તંત્ર

વોર્ડ નં. 3 ની કૃષ્ણનગર સોસાયટીમાં રસ્તાની બિસ્માર હાલત

ચોમાસામાં કાદવ કીચડ અને પાણી ભરાવાના ખતરાથી લોકો પરેશાન

સિટી ન્યૂઝ@રાજકોટ

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર ૩ માં વિકાસના કામોની પોલ ખૂલી ગઈ છે. કૃષ્ણનગર સોસાયટી, વોરા સોસાયટી અને પ્રાસર પાર્ક વિસ્તારમાં છેલ્લા ૧ વર્ષથી રોડ ખોદીને રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. તંત્ર માત્ર ખોદકામ કરીને ભૂલી ગયું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને નવો રોડ ના બનતા સ્થાનિક પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. સોસાયટીની આસપાસની તમામ રોડની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે.

સ્થાનિકોની રજૂઆત મુજબ કૃષ્ણનગર શેરી નંબર ૧ અને તેની આસપાસની તમામ ગલીઓ લાંબા સમયથી એમ જ ખોદેલી પડી છે. રસ્તાઓ પર ઊડતી ધૂળ અને ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી રહે છે. લોકો છેલ્લા ૧ વર્ષથી માત્ર રોડ બનવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ નધરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકો વારંવાર રજૂઆત કરી થાક્યા છે છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

હવે જ્યારે ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. વરસાદ પડતાની સાથે જ આ ખોદેલા રસ્તાઓ પર ભયંકર કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો સીધો ખતરો તોળાઈ રહ્યો છે. ઉપરાંત ગંદકી અને ભરાયેલા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ પૂરી દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો તંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ગોકળગાયની ગતિએ ચાલતું કામ પૂર્ણ કરી પાકા રોડ બનાવવામાં આવે.