એપ્રિલ સુધીમાં મનપાની 100 કરોડના વેરાની વસૂલાત
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના 2026-27 ના વેરા વસૂલાત અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. 7 થી 30 એપ્રિલ 2026 સુધીમાં કુલ 1,65,559 કરદાતાઓએ 100.17 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કર્યો છે.
ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપ વચ્ચે 1,22,141 લોકોએ ઓનલાઇન 72.57 કરોડ ચૂકવ્યા છે, જ્યારે 43,418 લોકોએ ચેક કે રોકડાથી 27.68 કરોડ જમા કરાવ્યા છે. એડવાન્સ વેરો ભરનારા નાગરિકોને અત્યાર સુધીમાં 11.99 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ અપાયું છે.
31 મે 2026 સુધી વેરો ભરનાર સામાન્ય કરદાતાઓને 10% અને મહિલાઓને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ત્યારબાદ જૂન માસમાં આ લાભ ઘટીને સામાન્ય માટે 5% અને મહિલાઓ માટે 10% થઈ જશે. મનપાએ તમામ મિલકતધારકોને સમયસર આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.