Loading Please Wait !!!
રાજકોટ મનપા ફૂડ વિભાગના સપાટામાં ત્રણ પેઢીઓ સીલ

  • ‘શ્રી ખોડીયાર ચટણી’, ‘રજની નમકીન’ અને ‘મહાદેવ નાસ્તા હાઉસ’ સીલ
  • 33ને નોટિસ ફટકારી 51,500 રૂપિયાનો દંડ વસૂલાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ધડાધડ થતી ભેળસેળ અને ગંદકી સામે લાલ આંખ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મેગા સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ ૯૨ જેટલી પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ ૧૭૯ કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ કરી જાહેર આરોગ્યને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચેકિંગ દરમિયાન અનહાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજનો અભાવ અને લાઈસન્સના નિયમોના ઉલ્લંઘન બદલ ૩૩ પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ પેઢીઓ પાસેથી કુલ રૂ. ૫૧,૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભારે ગેરરીતિ અને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી જણાતી ૩ પેઢીઓને સીલ કરી દેવામાં આવી છે. ભેળસેળની શંકાના આધારે FSSAI એક્ટ હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના ૧૫ નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

સોરઠીયા વાડી ખાતે આવેલી “શ્રી જોડીયાર ચટણી” પેઢીમાં ઉત્પાદન સ્થળે સિન્થેટિક ફૂડ કલર,

નોન ફૂડ ગ્રેડ અને કેમિકલ્સનો સોસ બનાવવામાં ઉપયોગ થતો હોવાનું ખુલતા તેને તત્કાળ સીલ કરવામાં આવી હતી અને રૂ. ૨,૦૦૦ નો દંડ વસૂલાતો હતો. આ ઉપરાંત વાવડી ઇન્ડ્સ્ટ્રીયલ એરિયામાં “રજની નમકીન” માં ૬૦ કિલો પદતર અને અખાદ્ય ફ્રસાણ મળી આવતા તેનો નાશ કરી પેઢીને સીલ કરી રૂ. ૫,૦૦૦ નો દંડ કરાયો હતો. ભીમનગર ચોક ખાતે “મહાદેવ નાસ્તા હાઉસ” માં ૨૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી તેને પણ સીલ કરવામાં આવી છે.

  • શહેરના પોશ વિસ્તારોની રેસ્ટોરન્ટ અને ડેરીઓ પણ સકંજામાં

ફૂડ વિભાગની કાર્યવાહી માત્ર નાના એકમો પૂરતી સીમિત ન રહેતા, શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સેલિબ્રેશન રેસ્ટોરન્ટ અને સત્યમ રેસ્ટોરન્ટમાંથી અનુક્રમે ૯ કિલો અને ૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી દંડ વસૂલાવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાગેશ્વર મેઈન રોડ, ગોકુલનગર, જોડિયાનગર અને નંદવનન વિસ્તારમાં આવેલી ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર્સ અને ફરસસાણની દુકાનોમાં પણ લેબલિંગ વિનાના પેકિંગ, લાઇસન્સ ન હોવા અને ગંદકી બાબતે નોટિસ આપી દંડ વસૂલવામાં આવ્યો હતો.

  • MDM કિચન સહિત વિવિધ ડેરીઓમાંથી 15 શંકાસ્પદ સેમ્પલ લેવાયા

ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. શાસ્ત્રી મેદાન સામે આવેલ MDM કિચનમાંથી પ્રીપેડ ફ્રુડ, મસાલા અને ચણાના ૮ સેમ્પલ લેવાયા છે. વાવડી ગામ પાસેની “માહી ફૂડ પ્રોડક્ટ્સ”માંથી ૧૦ કિલો લોટોનો નાશ કરી ૫૦૦૦ નો દંડ વસૂલાયો અને ફરસસાણા નમૂના લેવાયા. મવડી વિસ્તારની “શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ” અને “બજરંગ ડેરી” તથા કોઠારીયા રોડની “શ્રી કૈલાશ ડેરી ફાર્મ”માંથી મિક્સ અને ગાયના દૂધના નમૂના લઈ લેબમાં મોકલાયા છે. મનપાની આ આક્રમક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.