મુખ્યમંત્રીએ ખાડીના રિ-ડેવલપમેન્ટ માટે સુરતને 500 કરોડ ફાળવ્યા
-
CMનું અલ્ટીમેટમ : ગેરકાયદે કબજો હટાવો નહીં તો કડક કાર્યવાહી
-
પૂર માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પણ બચશે નહીં
સિટી ન્યૂઝ@સુરત
સુરતમાં બુધવારે વરસાદે વિરામ લીધો હતો પણ બે દિવસમાં વરસેલા ૧૮ ઈંચ જેટલા વરસાદને કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થતા તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર-ધંધા અને વાહનમાલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્રણ દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા.
સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટવવા માટે સરકારે ૫૦૦ કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે.
આ બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોએ તંત્રની પોલ ખોલતા જ મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સીએમે કડક શબ્દોમાં આદેશ આપ્યા છે કે, જો ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે લેપ્સ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક અને જરૂર પડ્યે ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે, મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન મીટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની તદન વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. પ્રજાની હાલત સાંભળીને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરી હતી.
- 1 કરોડની સાડીઓ કાદવ-કિચડમાં કચરો બની
- ટેક્સટાઈલ માર્કેટને 200 કરોડનો ફટકો
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં પૂરના કારણે ટેક્સટાઈલ માર્કેટની સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતો કાપડ ઉદ્યોગ આ કુદરતી આફત સામે લાચાર નજરે પડી રહ્યો છે. કાપડ બજારના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ભરાઈ જવાને કારણે અબજો રૂપિયાનું કાપડ પૂરના પાણીમાં હોમાઈ ગયું છે. ખાસ કરીને રિંગ રોડ અને આસપાસના વિસ્તારોમાં આવેલી માર્કેટોમાં પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે વેપારીઓને સંભાળવાની તક પણ મળી શકી નથી. આ આફતના કારણે વેપારીઓ આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. સુરતના સૌથી વધુ અસરગ્રસ્ત એવા અંદાજે ૧૦૦ કાપડ માર્કેટોમાં ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. આ માર્કેટોના બેઝમેન્ટમાં આવેલી સેંકડો દુકાનોમાં અચાનક જ વરસાદી પાણી અને ખાડી પૂરના ગંદા પાણી ધસી આવ્યા હતા.
- સુરતમાં વરસાદથી 26 લોકોનાં મોત
- 13નાં ડૂબવાથી એકનું પદવાથી એકનું કરંટથી મોત
સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૧૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આકાશમાં આફતમાં ૧૩ લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી જ્યારે એકનું પડી જવાથી અને ૨૦ વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. કમાઉ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ ૨૬ લોકોના મોત નિપજ્યા છે. કિડોલીના મહાદેવ નગરમાં રહેતા ૫૮ વર્ષીય પ્રસાદ વીરચંદ કાપડે સગરામપુરા સ્થિત મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા.
- સુરતમાં હ્રદયદ્રાવક દ્રશ્ય
- વેપારીઓ 1000ની વસ્તુઓ 200માં વેંચવા કાઢી
મેઘરાજાએ વિરામ લીધો છે અને સુરતના ખાડી પૂરના પાણી પણ ઓસર્યા છે, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીની તસવીરો સામે આવી રહી છે તે હ્રદયદ્રાવક છે. સીમાડા ખાતે આવેલા શ્યામધામ ચોક અને તેની આસપાસની સેંકડો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલ કાપડ, કટલરી, નોવેલ્ટીથી લઈને અનાજના ગોડાઉનોમાં ગંદા પાણી ફરી વળતા વેપારીઓ રોડ પર આવી ગયા છે. વર્ષોની મહેનતથી ઉભું કરેલું સામ્રાજ્ય માત્ર થોડા કલાકોમાં જ બરબાદ થઈ જતાં વેપારીઓમાં ભારે આક્રોશ અને આર્દ્ર જોવા મળી રહ્યો છે. વેપારીઓએ તે પલળી ગયેલો માલ સામાન છે તે હવે મફતના ભાવે વેચવાનું શરૂ કર્યું છે. ૫૦૦ રૂપિયાની વસ્તુ પણ ૧૦૦ રૂપિયાની વસ્તુ ૧૦ રૂપિયામાં વેચવા કાઢતા મહિલાઓએ ખરીદી કરવા માટે પડા પડી કરી મૂકી છે.