Loading Please Wait !!!
રાજકોટમાં મહિલા ASIને માનસિક ત્રાસ: ક્વાર્ટર પર કબજો લઈ લીધો!

પોલીસમાં જ જંગ: 27 વર્ષની સેવા પર પોતાના જ અધિકારીએ ધરવિહોણી બનાવી!

સરકારી ક્વાર્ટરમાં દવા, ઘરવખરી, ચીજવસ્તુ, ડોક્યુમેન્ટ લેવા જવા પણ અંદર નથી જવા દેતા

સિટી ન્યૂઝ@સુરત

રાજકોટ શહેરમાં પોલીસ વિભાગની આંતરિક ગેરરીતિ અને એક મહિલા પોલીસ અધિકારીની કથિત સતામણીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા ૨૭ વર્ષથી પોલીસ વિભાગમાં નિષ્કલંક અને પોઝિટિવ સેવા આપનાર મહિલા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) શ્રીમતી બી.જી. જાડેજાએ પોતાના જ વિભાગના કેટલાક અધિકારી અને કર્મચારીઓ પર સત્તાનો દુરુપયોગ કરી, માનસિક ત્રાસ આપવા અને સરકારી ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ, ASI શ્રીમતી બી.જી. જાડેજા તેમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરના બ્લોક નં. B/૫, ક્વાર્ટર નં. ૭૦ માં રહે છે. ગત તારીખ ૦૭/૦૭/૨૦૨૬ ની રાત્રે જ્યારે તેમના પરિવારના સભ્યો ક્વાર્ટર પર ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના ઘરના દરવાજાનું તાળું તોડીને બીજું તાળું મારી દેવામાં આવ્યું હતું. ત્યાં હાજર એક અજાણી મહિલાએ તેમના પરિવારને ધમકાવતા કહ્યું હતું કે, “આ તારું ઘર નથી રહ્યું, તારો સામાન ગોતી લે અને અહીંથી જતી રહે.” પીડિત મહિલા ASI નો સીધો આક્ષેપ સહદેવસિંહ ઝાલા નામના વ્યક્તિ પર છે, જેમણે કથિત રીતે ગેરકાયદેસર અને ગેરશિસ્ત વર્તન કરી સરકારી મિલકતનું તાળું તોડ્યું છે. અગાઉ વર્ષ ૨૦૨૫ માં પણ ખાલી કરવા માટે ગેરકાયદેસર નોટિસો ચોંટાડવામાં આવી હતી અને તેમના ક્વાર્ટરનું લાઈટ મીટર ઉતરાવી લઈને પરિવારને અંધારામાં રહેવા મજબૂર કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર વિવાદનું મૂળ CID ક્રાઈમમાં ડેપ્યુટેશનમાં છુપાયેલું હોવાનું જાણવા મળે છે, અરજદાર મહિલા ASI ની ૩ વર્ષ માટે (તા. ૨૮/૦૭/૨૦૨૨ થી ૨૮/૦૭/૨૦૨૫) CID ક્રાઈમમાં નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, કથિત રીતે ૧૦-૧૧ વર્ષથી ત્યાં જ ચીપકી રહેલા અન્ય પોલીસકર્મીઓએ બચાવવા અને તેમને ફરી ગોઠવવા માટે, આ મહિલા ASI ને માત્ર છ માસમાં જ મૌખિક રીતે બદલી કરી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તેમને કોઈ સત્તાવાર છુટા કર્યાનો કે બદલીનો હુકમ આપવામાં આવ્યો નથી અને ત્યારથી તેમનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો છે. ગંભીર બીમારી કે પરિવારમાં મૃત્યુ જેવા કપરા સમયમાં પણ તેમને કોઈ આર્થિક સહાય કે પગાર આપવામાં આવ્યો નથી. પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે મહિલા ASI એ રાજ્યના મુખ્ય પોલીસ વડા, મુખ્યમંત્રી કાર્યાલય, મહિલા આયોગ અને માનવ અધિકાર પંચ સહિત તમામ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાજેતરમાં ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ પણ ઓનલાઈન તપાસના આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, સ્થાનિક કક્ષાએ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હાલમાં આ મહિલા પોલીસકર્મી અને તેમનો પરિવાર ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. સતત જોહુકમી, ધમકીઓ અને માનસિક ત્રાસને કારણે તેમનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અરજદારે ઉચ્ચ સત્તાધીશો સમક્ષ નમ્ર અપીલ કરી છે કે, સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારા અને સત્તાનો દુરુપયોગ કરનારા તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ મોટી કે અઘટિત ઘટના બને તે પહેલાં તેમને અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે અને રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાય કોની પાસે માંગવો તેવો સવાલ ઊભો થયો છે. આ સરકારી ક્વાર્ટર નં. ૭૦ માં અમારી દવા, ઘરવખરી, કિંમતી ચીજવસ્તુ, કિંમતી કાગળો, ડોક્યુમેન્ટ પડેલ છે.