Loading Please Wait !!!
રાજકોટ જિલ્લા પંચાયતમાં ૮ સમિતિના ચેરમેન જાહેર

જિલ્લા પંચાયત સામાન્ય સભા

ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને સૂચનાઓ આપી દેવાઈ: પ્રમુખ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળિયાના અધ્યક્ષસ્થાને એક ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ કુલ ૮ જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ સમિતિઓની રચના થવાથી જિલ્લાની વહીવટી અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે. ચોમાસાની ઋતુ અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી અને જળાશયો માટે હજુ વધુ વરસાદની જરૂર છે. ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ અગવડતા પડે નહીં તે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને કટોકટીના સમયે એકબીજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ તેમણે કરી હતી. આ બેઠકમાં માત્ર સમિતિઓની રચના ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩થી વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

વિવિધ ૮ સમિતિઓ અને નવ નિયુક્ત ચેરમેનોની યાદી

  • કારોબારી સમિતિ ચેરમેન: નરશીભાઈ શંભુભાઈ સોજીત્રા

  • સામાજિક ન્યાય સમિતિ ચેરમેન: જગદીશભાઈ દેવજીભાઈ પરમાર

  • શિક્ષણ સમિતિ ચેરમેન: નિલેશભાઈ અમરશીભાઈ હીરપરા

  • આરોગ્ય સમિતિ ચેરમેન: વિલાસભાઈ વલ્લભભાઈ ઢાંકેચા

  • બાંધકામ સમિતિ ચેરમેન: ભારતીબેન મજબૂતભાઈ હુંબલ

  • અપીલ સમિતિ: ચેરમેન સંજયભાઈ પોલાભાઈ પીપળિયા

  • મહિલા અને બાળવિકાસ સમિતિ ચેરમેન: કુંદનબેન વિજયદાન માવલ

  • ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન: દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા