મનપાના દબાણ હટાવ અભિયાનમાં 258 રેકડી-કેબિન અને 2,635 બોર્ડ જપ્ત
15 દિવસમાં 4.09 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ; શહેરમાં દબાણ સામે સઘન અને સતત કાર્યવાહી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ ૧ જુલાઈથી ૧૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક અને સઘન અભિયાન હાથ ધરી નોંધપાત્ર કામગીરી કરી છે. આ અભિયાન દરમિયાન ૨૫૮ રેકડી-કેબિન, ૨,૬૩૬ બોર્ડ-બેનર સહિત મોટી માત્રામાં દબાણરૂપ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. ૪,૦૯,૨૯૫નો વહીવટી ચાર્જ અને ભાડું વસૂલ કરવામાં આવ્યું હોવાનું મનપાએ જણાવ્યું છે.
મનપાના જણાવ્યા મુજબ, ઘરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબિલી, જંક્શન રોડ, ढેબર રોડ, પરબજાર સહિતના વિસ્તારોમાં રસ્તાને નડતરરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ૨૫૮ રેકડી-કેબિન જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૫૦ જેટલી પરચૂરણ ચીજવસ્તુઓ અને ૩,૪૨૮ કિલો જેટલો શાકભાજી, ફળ તથા ફૂલોનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો હતો, જે જાહેર માર્ગો પર અવરોધરૂપ બનતા હતા.મનપાએ મંડપ, કમાન અને જાલીના ભાડા પેટે રૂ. ૪૮,૦૦૦ વસૂલ કર્યા હતા, જ્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રૂ. ૩,૬૧,૨૯૫નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨,૬૩૫ બોર્ડ, બેનર, ઝંડી અને પતાકાઓ દૂર કરીને જાહેર માર્ગોને સ્વચ્છ અને અવરોધમુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે જાહેર માર્ગો પર દબાણ અને ગેરકાયદેસર જાહેરાતો સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન અને અચાનક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ નિયમોનું પાલન કરવા તેમજ શહેરને સ્વચ્છ તથા વ્યવસ્થિત રાખવામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.