રાજકોટને હાઈકોર્ટની બેંચ વિના શાંતિ નહીં !
- સૌરાષ્ટ્રના વકીલોએ લડતના મંડાણ કર્યા પછી આંદોલનની તૈયારી
- સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશને આજે એક દિવસની હડતાળ પાડી
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્રમાં રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવાની માંગ ફરી એકવાર ઉઠી છે. છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છના બાર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાળ પાડી સરકારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર કચ્છના ૮૦ તાલુકાના ૫૦૦૦થી વધુ ગામડાઓ આવેલ છે અને ગુજરાત હાઈકોર્ટમાં ૪૦% લીટીગેશનના કેસ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવેલા છે જેથી હાઈકોર્ટનું ભારણ પણ ઘટશે અને લોકોને ઝડપી ન્યાય પણ મળશે. બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ એકથી વધુ હાઈકોર્ટ બેંચ આવેલી છે તો ગુજરાત કેમ નહિ તે સવાલ સાથે ભાર પૂર્વક રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત બાર એસોસિએશનના
પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે એ માટે વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી છે અને છેલ્લા એક વર્ષથી ફરી લડત ચલાવવામાં આવી રહી. અગાઉ પણ બેઠક કરવામાં આવી હતી એ રીતે શનિવારે પણ સૌરાષ્ટ્રના અલગ અલગ બાર એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરી આજે ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ એક દિવસીય હડતાલનું એલાન કરી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી સરકારને આવેદન પત્ર પાઠવી રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હાઈકોર્ટની બેંચથી સૌરાષ્ટ્રના લોકોને સીધો ફાયદો થશે તેવું તમામ બાર એસોસિએશનનું માનવું છે માટે આ લડત મજબૂત રીતે આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ. થોડા દિવસ અગાઉ કાયદામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી એમને હકારાત્મક અભિગમ
રાખ્યો છે, અને આ જ રીતે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આગામી પણ આ જ રીતે રજૂઆતને મજબૂત બનાવી લડત આગળ વધારવામાં આવશે. રાજકોટના સરકારી વકીલ સમીર પীরাએ જણાવ્યું હતું કે, ન્યાય મેળવવો દરેકનો અધિકાર છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાં ૫૦૦૦થી વધુ ગામડા છે ૮૦ તાલુકા છે અને ૨ કરોડથી વધુની વસ્તી છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦% જેટલા લીટીગેશન તકરારો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલા છે. ગુજરાતમાં ૭.૪૧ કરોડ વસ્તી હોવા છતાં માત્ર એક હાઈકોર્ટ છે જ્યારે બીજા રાજ્યો કર્ણાટક, અસામ, બંગાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આપણા જેટલી અને આપણાથી થોડી વધુ વસ્તી છે તો પણ ત્યાં વધી વધુ હાઈકોર્ટ છે તો ગુજરાતમાં માત્ર એક જ કેમ આ સવાલ સાથે કેન્દ્ર સરકાર પાસે અમારી માંગ છે.
- બાર.એસો પ્રમુખ સુમિત વોરાએ કહ્યું
- હાઈકોર્ટની બેંચ મળે તો ગુજરાત હાઈકોર્ટનું ભારણ ઘટશે
રાજકોટ બાર એસોસિએશન પ્રમુખ સુમિત વોરાએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦% જેટલા લીટીગેશન તકરારો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલા છે. માટે રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તો ગુજરાત હાઈકોર્ટનું ભારણ ઘટશે અને કેસોની પેન્ડન્સી ઘટશે જેના થકી લોકો ઝડપી અને સસ્તો ન્યાય મળશે. આ ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ૧૧ જિલ્લામાં કુલ ૫૦૦૦થી વધુ ગામડા અને ૮૦ તાલુકા આવેલા છે જેની વસ્તી ૨ કરોડથી વધુ છે માટે રાજકોટને હાઈકોર્ટની બેંચ ફાળવવી આવશ્યક છે.