બ્યુટી, મેકઅપ, ફેશન, ફિટનેસની ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોવાનો લોકોને રસ
ભારતમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સૌથી વધુ લાઈફસ્ટાઈલ, કોમેડી, સ્પોર્ટ્સ અને ટ્રાવેલ કન્ટેન્ટ જોવામાં રસ દાખવી રહ્યા છે. તાજાતારના સર્વે મુજબ લોકોની પસંદગીના ટોપ કેટેગરી આ રહી.
-
લાઈફસ્ટાઈલ અને ફિટનેસ: (લોકો સ્વાસ્થ્ય અને રોજિંદા જીવનને સુધારતા વિડિયો જોઈ રહ્યા છે) - 42%
-
કોમેડી અને મીમ્સ: (મનોરંજન અને હળવી મજાક-મસ્તી માટે) - 39%
-
સ્પોર્ટ્સ (રમતગમત): (ક્રિકેટ અને અન્ય રમતોના અપડેટ્સ) - 38%
-
ટ્રાવેલ કન્ટેન્ટ: (ફરવા માટેની નવી જગ્યાઓની શોધ માટે) - 37%
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ભારતમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટનો ફેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજની તારીખમાં રીલ્સ સ્ક્રોલ કરવી એ આપણે ભારતીયોની રોજિંદી ડિજિટલ આદતોનો એક મહત્વનો ભાગ બની ગઈ છે. મેટ્રો ટ્રેનની મુસાફરી હોય, ઓફિસનો લંચ બ્રેક હોય કે રાત્રે સૂતા પહેલાનો સમય હોય- સ્માર્ટફોન પર અંગૂઠો સતત ઉપરની તરફ સ્વાઈપ થતો રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ભારતીયો રીલ્સ પર સૌથી વધુ સમય કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવામાં વિતાવી રહ્યા છીએ? આ વાતનો ખુલાસો કરવા માટે સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) વતી રિસર્ચ એજન્સી IPSOSએ એક રસપ્રદ સ્ટડી કરી છે. આ સર્વેમાં દેશના ૨૩ શહેરો અને ગ્રામીણ વિસ્તારોના ૪,૦૦૦ થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે આ લેટેસ્ટ રિપોર્ટમાં કયા મોટા અને ચોંકાવનારા ટ્રેન્ડ્સ સામે આવ્યા છે.
બ્યુટી, મેકઅપ અને ફેશન બન્યું નંબર-૧ આકર્ષણ
બ્યુટી, મેકઅપ, ફેશન અને લેટેસ્ટ લાઈફસ્ટાઈલ ટ્રેન્ડ્સ ને લગતા વીડિયો ભારતીય યુઝર્સમાં સૌથી વધુ લોકપ્રિય છે. સર્વેમાં સામેલ ૫૨ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેઓ નિયમિતપણે આવા કન્ટેન્ટ સાથે જોડાયેલા રહે છે. લોકો માત્ર નવી ફેશન સેન્સ જ નથી જોઈ રહ્યા.
રીલ્સ જોઈને શોપિંગ કરે છે લોકો: બદલાયું ઈ-કોમર્સ
આ રિપોર્ટ દર્શાવે છે કે ઈન્સ્ટાગ્રામ રીલ્સ હવે માત્ર ટાઈમપાસ કે મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ તે લોકોના પૈસા ખર્ચવા અને ખરીદી (Shopping) ના નિર્ણયોને પણ સીધી રીતે પ્રભાવિત કરી રહ્યું છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ હવે ડિજિટલ માર્કેટિંગની કરોડરજ્જુ બની ગયું છે.
ગ્રામીણ ભારત પણ પાછળ નથી: શહેરી-ગ્રામીણનો તફાવત ખતમ
પહેલા એવી સામાન્ય ધારણા હતી કે સોશિયલ મીડિયા અને રીલ્સનો ક્રેઝ માત્ર મોટા શહેરો પૂરતો જ મર્યાદિત છે. પરંતુ આ રિપોર્ટ આ ભ્રમને સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. ભારતના ગામડાઓમાં પણ રીલ્સનું તોફાન આવી ગયું છે. સર્વે અનુસાર, દરરોજ વીડિયો જોનારા યુઝર્સની સંખ્યા શહેરી ભારતમાં ૯૮ ટકા છે, તો ગ્રામીણ ભારતમાં પણ આ આંકડો ૮૪ ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે શહેરો અને ગામડાઓ વચ્ચેનું ડિજિટલ અંતર હવે લગભગ ખતમ થઈ ગયું છે. સાથે જ, ૭૩ ટકા ગ્રામીણ સાહસોએ જણાવ્યું છે કે તેમણે નવી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેટા પ્લેટફોર્મ દ્વારા જ મેળવી છે.
યુવાનો (Gen Z) પર ચઢ્યો રીલ્સનો જાદુ
આજની યુવા પેઢી, જેને આપણે Gen Z (૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે જન્મેલા લોકો) કહીએ છીએ, તે આ ડિજિટલ પરિવર્તનનો સૌથી મોટો ચહેરો બનીને ઉભરી છે. રિપોર્ટ અનુસાર, ૮૯ ટકા Gen Z યુઝર્સ દરરોજ રીલ્સ જુવે છે અથવા કોઈને કોઈ રીતે તેની સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત, આ પેઢીના ૮૪ ટકા યુવાનો કોઈપણ નવી પ્રોડક્ટ કે બ્રાન્ડ શોધવા માટે સૌથી પહેલા મેટા (ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક) ના પ્લેટફોર્મનો જ સહારો લે છે. યુવાનો માટે હવે ગૂગલ સર્ચ કરતાં વધુ જરૂરી ઈન્સ્ટાગ્રામ રીલ્સ બની ગયું છે.