અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 કલાકમાં 10 લાખ લોકો જોડાયા
- તમિલનાડુ ભાજપ ઉપાધ્યક્ષે પણ રાજીનામુ આપ્યું
સિટી ન્યૂઝ@ચેન્નઈ તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપ છોડ્યાની સાથે જ તેમણે પોતાના નવા રાજકીય આંદોલન 'ઈંધુ નમ્મા ઈયક્કમ' (આ આપણું આંદોલન છે) ની જાહેરાત કરી છે, જેને જનતા તરફથી અભૂતપૂર્વ અને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે. આ નવા અભિયાનની શરૂઆતમાં માત્ર ૧૦ કલાકની અંદર જ ૧૦ લાખથી વધુ લોકો સભ્ય તરીકે નોંધણી કરાવી ચૂક્યા છે.
પોતાના નવા આંદોલનની આ અસાધારણ સફળતા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી શેર કરતા અન્નામલાઈએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે, "માત્ર ૧૦ કલાકમાં ૧૦ લાખથી વધુ કાર્યકર્તાઓએ રજીસ્ટ્રેશન એ આપણા સામૂહિક મિશન અને વિઝનમાં લોકોના વધતા જતા વિશ્વાસનો એક શક્તિશાળી પુરાવો છે". આ આંદોલનની સફળતા માટે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ કાંચીપુરમના પ્રખ્યાત કામાક્ષી અમ્મન મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ પણ કરી હતી. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે.
તમિલનાડુ ભાજપમાં અંદરનો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ સચિવ સુમતિ વેંકટેશે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ, ભાજપ તમિલનાડુના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજને પણ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓના રાજીનામાથી રાજ્યમાં ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા કે. અન્નામલાઈએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. અન્નામલાઈએ જાહેરાત કરી છે કે, તેઓ તમિલનાડુમાં એક નવા રાજકીય આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પાર્ટી છોડવાનું કારણ જણાવતા અન્નામલાઈએ કહ્યું, "હું જનતાની વચ્ચે રહીને તેમની સાથે કામ કરવા માંગતો હતો. મારી દ્રઢ ઈચ્છા હતી કે, ભાજપ તમિલનાડુમાં દ્રઢ ચૂંટણી પોતાના દમ પર લડે. અન્નામલાઈએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજકારણથી દૂર નથી બનાવી રહ્યા. તેના બદલે, જમીની સ્તર પર એક રાજકીય આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના નવા આંદોલન 'અન્નામલાઈ મક્કલ ઈયક્કમ' ની જાહેરાત પણ કરી દીધી છે.