Loading Please Wait !!!
અમરેલીના જેસલ બગડાની અંડર-19 ટુર્નામેન્ટમાં ધમાકેદાર ઇનિંગ

» SCA ના સિલેક્ટરો અને હોદ્દેદારો યુવા ક્રિકેટરના પ્રદર્શનથી પ્રભાવિત થયા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ (ખંઢેરી) ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર-૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ અમરેલી અને રાજકોટ રૂરલની ટીમ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભલે રાજકોટ રૂરલની ટીમે વિજય મેળવ્યો હોય, પરંતુ અમરેલીના યુવા ક્રિકેટર જેસલ બગડાની ૮૩ રનની ધમાકેદાર બેટિંગે મેદાનમાં સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેસલ બગડા રાઇટ હેન્ડ ઓપનિંગ બેટ્સમેન અને લેફ્ટ હેન્ડ બોલર છે. આજની મેચમાં અમરેલી ટીમ વતી જેસલ ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાને ઉતર્યો હતો. શરૂઆતથી જ આક્રમક અંદાજમાં રમતા તેણે રાજકોટ રૂરલના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. જેસલે કુલ ૧૦૧ બોલ રમીને મેદાનની ચારેતરફ ૪ ગગનચુંબી છગ્ગા અને ૮ શાનદાર ચોગ્ગા ફટકારીને ૮૩ રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો.

જેસલની આ ધમાકેદાર બેટિંગના સહારે અમરેલીની ટીમ નિર્ધારિત ૪૦ ઓવરના અંતે ૧૯૨ રનનો સન્માનજનક સ્કોર નોંધાવી શકી હતી. ૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજકોટ રૂરલની ટીમે ૩૨.૫ ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરીને મેચ પોતાના નામે કરી લીધી હતી. જોકે, હાર છતાં અમરેલીના જેસલનું પ્રદર્શન મેચનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું.

SCA દ્વારા આયોજિત આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઊભરતા અંડર-૧૯ ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવવા આવે છે. આ ટુર્નામેન્ટમાં એસોસિએશનના હોદ્દેદારો અને ખાસ કરીને સિલેક્ટરોની નજર યુવા ખેલાડીઓના પ્રદર્શન પર સતત રહેતી હોય છે. ત્યારે આજની મેચમાં દબાણ વચ્ચે રમાયેલી જેસલ બગડાની આ ધીરજવાળી અને આક્રમક ઇનિંગથી SCA ના સિલેક્ટરો પણ ખાસા પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે.