ડેરી પ્લાન્ટના માલિકના આપઘાત બાદ 61 લાખની મશીનરીની ઉચાપત
=> પડધરીના ખંભાળા ગામે ભાઈ-બહેને ફેક્ટરી બંધ કરાવી ચાવી પડાવી લીધી હતી
સિટી ન્યૂઝ@પડધરી
રાજકોટમાં ડેરી પ્લાન્ટના માલિકને મરવા મજબૂર કરનાર ભાઈ-બહેન સામે ૬૧ લાખ રૂપિયાની મશીનરીની ઠગાઈની વધુ એક ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને મશીનરી હડપ કરી જવાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે. અગાઉ આ જ મામલે જામકંડોરણામાં પણ એફઆઈઆર (FIR) નોંધાઈ ચૂકી છે. આર્થિક શોષણ અને માનસિક ત્રાસનો ભોગ બનેલા પરિવારને હવે ન્યાયની આશા છે.પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશિપમાં રહેતા કાજલ નિલેશ હિંડોચાએ પડધરી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખંભાળા ગામના જયદીપ મનજી પેથાણી અને તેની બહેન ધર્મિષ્ઠા મનજી પેથાણીના નામ આપ્યા છે. ફરિયાદમાં વિગતવાર જણાવ્યા અનુસાર, કાજલના પતિ નિલેશ હિંડોચા તથા તેમના બે ભાગીદારો ભાર્ગવ ભટ્ટ અને પૂર્વી ત્રિવેદીએ વર્ષ ૨૦૨૪માં ખંભાળા ગામે મંજુલા પાંચાણીના પ્લોટમાં એક મોટો શેડ ભાડે રાખીને ‘વી ફોર યુ’ ડેરી પ્લાન્ટ શરૂ કર્યો હતો.
આ પ્લાન્ટમાં લાખો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને ધંધો પણ સારી રીતે ચાલી રહ્યો હતો. પરંતુ એપ્રિલ ૨૦૨૫ માં મંજુલાના પુત્ર જયદીપ અને પુત્રી ધર્મિષ્ઠાએ અચાનક પ્લાન્ટ પર આવીને ફેક્ટરી બળજબરીથી બંધ કરાવી દીધી હતી. એટલું જ નહીં, તેઓએ દાદાગીરી કરીને ડેરીની ચાવી પણ પોતાની પાસે રાખી લીધી હતી. ફેક્ટરી બંધ થવાથી ઊભા થયેલા આર્થિક સંકટ, દેવાં અને આરોપીઓના સતત માનસિક ત્રાસથી કંટાળીને અને હતાશ થઈને આખરે નિલેશે જામકંડોરણાના સાતુદડ ગામે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ફરિયાદમાં કાજલના જણાવ્યા મુજબ, પતિના દુખદ અવસાન બાદ પરિવાર પહેલેથી જ ભાંગી પડ્યો હતો. પોલીસ ફરિયાદ ન કરવા માટે અને મામલો થાળે પાડવા માટે આરોપીઓએ ઓગસ્ટ ૨૦૨૫ માં કાજલ સાથે એક સમાધાન કરાર કર્યો હતો. આ કરારમાં આરોપીઓએ કાગળ પર લેખિતમાં એવું દર્શાવ્યું હતું કે ડેરીની તમામ મશીનરી અને સામાન કાજલને સોંપી દીધા છે. પરંતુ વાસ્તવમાં આ એક મોટો છેતરપિંડીનો ખેલ હતો, કારણ કે ડેરીની ચાવી કે મશીનરી સહિતનો કોઈ પણ સામાન ક્યારેય કાજલ કે તેના પરિવારને પરત આપવામાં આવ્યો નહોતો.
તાજેતરમાં માર્ચ ૨૦૨૬ માં જ્યારે બેંકના અધિકારીઓ સાથે લોન અને અન્ય હિસાબોની પતાવટ માટે સ્થળ પર તપાસ કરવામાં આવી ત્યારે ખંભાળા સ્થિત ડેરીની અંદરથી ૬૧,૦૮,૮૨૨ રૂપિયાની માતબર કિંમતના તમામ કિંમતી મશીનો, સ્પેપરપાર્ટ્સ અને અન્ય સાધનસામગ્રી ગાયબ જોવા મળ્યા હતા. આરોપી ભાઈ-બહેને પૂર્વ આયોજિત કાવતરું રચીને અને વિશ્વાસઘાત કરીને આ મશીનો ક્યાંક સગેવગે કરી નાખ્યા હોવાનું સ્પષ્ટ થતાં, આખરે પત્ની કાજલે લાચાર બનીને પડધરી પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને મશીનરી રિકવર કરવા માટેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.