રાજકોટમાં રસ્તાના ખાડા બુરવા ‘જેટ પેચર’ મશીન વપરાશે!
- ઐતિહાસિક લાભાજીરાજ માર્કેટનું રીનોવેશન ફરી અટક્યું
- સ્ટેન્ડિંગ કમિટીમાં 108 કરોડના વિકાસકામો મંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં શહેરના વિકાસ, માળખાકીય સુવિધા અને ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને ચાલુ વરસાદમાં ‘જેટ પેચર’ મશીનથી ખાડા બુરવા સહિતની રૂ. ૧૦૮ કરોડની ૭૭ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. જોકે ઐતિહાસિક લાભાજીરાજ શાકમાર્કેટનાં રીનોવેશનનો રૂ. ૫ કરોડનો ખર્ચ ખૂબ વધુ લાગતા આ દરખાસ્ત નામંજૂર કરી અધિકારીઓને ફરી ટેન્ડર કરી યોગ્ય ખર્ચની દરખાસ્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૭ માં આવેલ ઐતિહાસિક લાભાજીરાજ શાક માર્કેટના નવીનીકરણ અને રીનોવેશન માટેની રૂ. ૫ કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, સંકલન દરમીયાન આ કામગીરીમાં અંદાજિત ખર્ચ ખૂબ જ વધારે જણાતો હતો. આથી નાણાકીય શિસ્ત અને યોગ્ય બજેટ સંચાલનને ધ્યાનમાં રાખીને હાલ આ દરખાસ્તને હાલ પૂરતી નામંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે જ ચેરમેન પરેશ પીપળીયાએ સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, લાભાજીરાજ શાક માર્કેટના રીનોવેશનનું કામ અત્યંત જરૂરી હોવાથી અધિકારીઓને તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જે કામગીરી અત્યંત જરૂરી અને ફરજિયાત હોય, તેટલા જ ભાગનું નવું એસ્ટીમેટ (રી-એસ્ટીમેટ) તૈયાર કરીને બને તેટલી વહેલી તકે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ફરીથી રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, જેથી કરીને વેપારીઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ આવી શકાય.
બીજી તરફ, ચોમાસાની ઋતુમાં શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓની સમસ્યામાંથી નાગરિકોને રાહત આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨ વર્ષ સુધી ચોમાસા દરમિયાન રસ્તા પરના ખાડા બુરવા અને રસ્તાઓની મરામત કરવા માટે ‘જેટ પેચર’ મશીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ માટે અંદાજે રૂ. ૪.૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ એજન્સી દ્વારા ૨ વર્ષ સુધી ચોમાસામાં જેટ પેચર મશીનથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં તે ખાડામાં ફરીથી કોઈ ક્ષતિ ન સર્જાય તે અંગેની બાંહેધરી પણ એજન્સી પાસેથી લેવામાં આવી છે. ચોમાસામાં પરંપરાગત રીતે કામર કામ શક્ય ન હોવાથી આ મશીનરી અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત, વોર્ડ નંબર ૮ માંડી.આઈ. પાઈપલાઈન નાખવા અંગેની મહત્વપૂર્ણ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે, ચોમાસાની ઋતુમાં ખોદકામ કરવાથી નાગરિકોને હાલાકી ન ભોગવી પડે તે માટે આ કામગીરી ચોમાસુ પૂર્ણ થયા બાદ જ શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને આ કામગીરી સોંપાયેલી એજન્સીને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સિવાય વોર્ડ નં. ૧૦માં પર્લ એવન્યુ મેઈન રોડ પર નવી અદતન લાઈબ્રેરી બનાવવી, વોર્ડ નં. ૧૭માં રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળે લાઈબ્રેરી બનાવવી, વોર્ડ નં. ૯માં લોકોનામાં રિટેનિંગ વોલ નિર્માણ કરવું, રેસકોર્ષ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જર્જરિત ટોઈલેટ બ્લોક દૂર કરવા તેમજ વેરાવળ ખાતે સરકારી કાર્યક્રમ માટે મોકલાયેલ સફાઈ સ્ટાફના ખર્ચને મંજૂરી આપવા સહિતની દરખાસ્તો આજની બેઠકમાં મંજૂર કરી દેવામાં આવી હતી.