Loading Please Wait !!!
પાર્કિંગ હેતુના પ્લોટ્સમાં ગેરકાનૂની કામો થાય છે; ફરિયાદ આવે તો જ ચેકિંગ કરવા જાવ છો?

મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં અધિકારીઓ સવાલોના ઘેરામાં

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં ટીપી પ્લોટ્સ અંગેની ચર્ચા ચાલી રહી હતી તેમાં પ્રશ્ન પૂછનાર કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ પાર્કિંગ હેતુના પ્લોટ તેમજ પે એન્ડ યુઝના કોન્ટ્રાક્ટ અંતર્ગત અપાયેલા પ્લોટમાં હાલ ગેરકાનૂની કામો થઈ રહ્યા હોવાની ફરિયાદ ટીપીઓ આર.ડી.પરમાર સમક્ષ રજૂ કરી હતી. દરમિયાન પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટ હેઠળના પ્લોટ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલના કાર્યક્ષેત્ર હેઠળ આવતા હોય જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે સવાલોની તડાફડી બોલી હતી. ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયા સાથે આ મુદ્દાની ચર્ચામાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલ પણ જોડાયા હતા અને તેમણે અધિકારીઓ અને ઈજનેરોને આડે હાથે એવો સવાલ કર્યો હતો કે શું તમે પોલીસ જેવી પદ્ધતિથી કામ કરો છો? ફરિયાદ આવે તો જ દારૂ પકડવા જવાનો કે આ મામલે અનેક સવાલ જવાબ થયા બાદ હવેથી નિયમિત ચેકિંગ માટે ટીમ જશે તેવી ખાતરી અપાઈ હતી. આ ઉપરાંત પે એન્ડ યુઝ પાર્કિંગનું પ્રીમિયમ ભરવામાં નિષ્ફળ ગયેલા બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા હોવાનું પણ જનરલ બોર્ડમાં જાહેર કરવામાં આવ્યું હતું. પાર્કિંગ હેતુના કુલ ૬૨ પ્લોટ હોવાનું અને તે પૈકી ૩૭ માં પે એન્ડ યુઝ અંતર્ગત પાર્કિંગ કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો જવાબ અધિકારીઓએ બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો.

  • જનરલ બોર્ડની મીટિંગમાં ટીપીઓનો જવાબ
  • કાલાવડ રોડ સહિત 44 જેટલા રોડ પહોળા કરવાનું પ્લાનિંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મીટિંગમાં પ્રશ્નકાળના પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ ટીપી બ્રાન્ચને લગતા કુલ ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં ટીપી પ્લોટ્સ બાદ બીજા પ્રશ્નમાં રાજકોટના મુખ્ય રસ્તાઓ પહોળા બનાવવા માટે મનપાએ કયા રસ્તાઓની પસંદગી કરી છે, છેલ્લા ત્રણ વર્ષમાં તે રસ્તાઓ ઉપર શું કામગીરી કરવામાં આવી છે. દરેક રસ્તાઓ પહોળા કરવાના પ્રોજેક્ટ માટેની સમય મર્યાદા શું છે? કેટલા રસ્તાઓ પહોળા કરવા માટે જમીન સંપાદન બાકી છે. આ જમીન સંપાદન પૂર્ણ કરવા શું કામગીરી કરાઈ છે? શું આયોજન છે? તેવા સવાલો પૂછતા ઈન્ચાર્જ ટીપીઓ આર.ડી.પરમારે જણાવ્યું હતું કે મોટા મથાળાથી શહેરની હદ સુધીના કાલાવડ રોડ સહિત કુલ ૪૪ રોડ પહોળા કરવાનું આયોજન છે જે માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકાઈ છે. ટીપીઓએ ઉપરોક્ત પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ ૪૪ રસ્તાઓ પહોળા કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં હાલ સુધીમાં ૧૭ રોડ પહોળા કરવાની કામગીરી પૂર્ણ થઈ છે,

જ્યારે ૬માં કાર્યવાહી ગતિશીલ છે અને તે પૈકીના બે રોડ મામલે કોર્ટ કેસ ચાલુ છે. ત્યારબાદ એલઓપીમાં કામગીરી આવી હોય તે ૪૪ રસ્તાઓનું લિસ્ટ વાંચ્યું હતું જેમાં મોટા મથાળાથી શહેરની હદ સુધીના કાલાવડ રોડ, રેલવે જંક્શન સ્ટેશન રોડ, વિરાણી હાઈસ્કૂલની પાછળનો રેલવે ટ્રેકને સમાંતર રોડ, સત્કાર નગર શેરી નં. ૩થી રેલવે ટ્રેક સુધીનો રોડ, વિરાણી હાઈસ્કૂલથી મોટી હાઈસ્કૂલ સુધીનો રોડ, બાવીશી પ્લાયવુડથી ભક્તિનગર રેલવે સ્ટેશન પ્લોટ સુધીનો રોડ, ડૉ.દસ્તૂર માર્ગ ઉપર રાજમંદિર ફાસ્ટ ફૂડ વાળી શેરીમાં એપીપીટીથી રેલવે ટ્રેક સુધીનો રોડ, શાસ્ત્રી મેદાનની ફરતેનો રોડ, કેનાલ રોડ, પેકટ રોડ, સંત કબીર રોડ સહિતના રસ્તાઓ સમાવિષ્ટ હોવાનું વાંચન કર્યું હતું. આ પ્રશ્નના પેટા પ્રશ્નમાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલે પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે ટીપી રોડ નેટવર્કમાં ટીપી મંજૂર થયા બાદ કોઈ રોડ ઉપર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મૂકી શકાય કે કેમ? જે આના પ્રત્યુત્તરમાં ટીપીઓએ જણાવ્યું હતું કે, તે માટે સ્ક્રીમ વેરીફિકેશન કરી પડે અને પછી જમીન કપાતના વળતર પેટે જમીન આપી શકાય નહીં.

કેતન પટેલે બીજો પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે જમીન કપાતના વળતર પેટે જમીન સામે જમીન આપવાનું અન્ય ક્યાં અમલી છે? તેના પ્રત્યુત્તરમાં ટીપીઓએ જણાવ્યું હતું કે સમય ગજરાત રાજ્યમાં જમીન કપાતના વળતર પેટે જમીન સામે જમીન આપવાનું એક માત્ર રાજકોટ શહેરમાં જ અમલી છે, અન્યત્ર જમીન કપાતના વળતર પેટે એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) કે ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ) જ આપવામાં આવતા હોય છે.