Loading Please Wait !!!
પડધરી તાલુકા પંચાયતમાં અધિકારી રાજ હાવી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની અસર ઘટી

પ્રમુખની ત્રણ રજૂઆત છતાં પ્રશ્નો યથાવત; જનતાના કામો અટવાતા વહીવટી તંત્ર સામે અસંતોષ

સિટી ન્યૂઝ@પડધરી

પડધરી તાલુકા પંચાયતના વહીવટને લઈને હાલ ગંભીર અસંતોષનું વાતાવરણ સર્જાયું છે. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં અધિકારીઓનું વર્ચસ્વ સતત વધતું જતાં વિકાસના કામો અને પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં અવરોધ ઉભા થઈ રહ્યા હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે લોકશાહી વ્યવસ્થાની અસરકારકતા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, તાલુકા પંચાયત પ્રમુખે એક જ મુદ્દે ત્રણ વખત રજૂઆત છતાં પ્રશ્નોંતો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. વારંવાર રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા તાલુકા પંચાયતના વહીવટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા નબળી પડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે વિકાસ કાર્યોમાં ગતિ ધીમી પડી રહી છે. સ્થાનિકોમાં એવી લાગણી મજબૂત બની રહી છે કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતોને જ પ્રાથમિકતા મળતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના નિરાકરણમાં પણ વિલંબ થાય છે. પરિણામે લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ વધતો જઈ રહ્યો છે અને લોકોમાં નિરાશાનો માહોલ સર્જાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા દ્વારા સમક્ષ મામલે ગંભીર ધ્યાન આપી તાલુકા પંચાયતના વહીવટમાં સુમેળ, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે.