Loading Please Wait !!!
નિરંજન શાહે ધમકી આપી સહી કરાવી!

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાઈફ મેમ્બર બકુલ રાઠોડના સનસનીખેજ આરોપ
  • બકુલ રાઠોડે કહ્યું: નિરંજન શાહ મારી ઘરે રૂબરૂ આવી મને શામ, દામ, દંડ અને ભેદની નિતીથી ધમકાવી શા માટે SGM બોલાવવા માટે નોટિસમાં સહી કરેલ તેમ કહી ધમકાવેલ
  • નિરંજન શાહ વિરૂદ્ધ જાહેર નોટિસ આપીને કહ્યું મારી સહી મને માન્ય નથી કાગળ ઉપર લખેલ હકીકત મને માન્ય નથી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સંબંધિત એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. શહેરના હરિહર સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષીય લાઈફ મેમ્બર બકુલ જીવરાજભાઈ રાઠોડે જાહેર નોટિસ કમ ચેતવણી જાહેર કરી છે, જેમાં તેમણે એસોસિએશનના એક હોદ્દેદાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. માહિતી અનુસાર, બકુલભાઈ રાઠોડ (એલએમ-૦૯૨) સહિત કુલ ૧૦ લાઈફ મેમ્બરો દ્વારા તા. ૦૯-૦૭-૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીને સ્પેશિયલ જનરલ બોર્ડ મીટિંગ બોલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં ચાર મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી.

આ નોટિસના અનુસંધાને તા. ૨૩-૦૭-૨૦૨૬ના રોજ એસોસિએશન તરફથી ૧૪-૦૮-૨૦૨૬ના રોજ વર્ચ્યુઅલ મીટિંગ બોલાવવાની માહિતી ઈમેઈલ દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં, બકુલભાઈએ આક્ષેપ કર્યો છે કે તા. ૨૫-૦૭-૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦ વાગ્યે એસોસિએશનના નિરંજનભાઈ શાહ તેમના નિવાસ સ્થાને આવ્યા હતા અને તેમણે “શામ, દામ, દંડ અને ભેદ” ની નીતિ અપનાવી ધમકી આપતા એક અજાણ્યા દસ્તાવેજ પર તેમની સહી લેવડાવી હતી. બકુલભાઈએ જણાવ્યું કે તેમની તબિયત નાદુરસ્ત હોવા તેમની પાસેથી સહી લેવામાં આવી અને દસ્તાવેજ બતાવવા માગતા છતાં તેમને બતાવવામાં આવ્યો નથી.

બકુલભાઈએ વધુમાં જણાવ્યું કે તેમણે ફોન દ્વારા તે દસ્તાવેજ પરત માંગ્યો હતો, પરંતુ તે હજુ સુધી આપવામાં નથી આવી. આ પરિસ્થિતિમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓએ તે સહી રાજીખુશીથી કરી નથી અને તે સહી તેમજ દસ્તાવેજમાં લગાયેલી કોઇપણ હકીકત તેમને માન્ય નથી. તેમણે આ સહીને રદ જાહેર કરી છે.આ સમગ્ર મામલે બકુલભાઈએ સોગંદપૂર્વક જાહેર નિવેદન આપી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સંબંધિત લોકોને ચેતવણી આપી છે કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે. આ ઘટના બાદ એસોસિએશનના વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે અને મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.