મેઘપર ઝાલા ડબલ મર્ડર કેસમાં પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા સ્પેશ્યલ પી.પી. નિયુક્ત
» ફરીયાદીની રજૂઆત બાદ ગુજરાત સરકારે કેસની સુનાવણી માટે રાજકોટના ધારાશાસ્ત્રીની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી
સિટી ન્યૂઝ | મોરબી
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ૯/૦૬/૨૦૨૬ રોજ બનેલા ડબલ મર્ડર કેસમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજકોટના જાણીતા અને પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પેશ્યલ પી.પી.) તરીકે નિમણૂક કરી છે. આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
કેસની વિગતો મુજબ, જમીનની માપણી દરમિયાન થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા અને જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા પર છરી જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ બનાવ અંગે દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદને આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ૦૫૧૫/૨૦૨૬ હેઠળ BNSની કલમ ૧૦૩(૧), ૩(૫) તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફરિયાદી દ્વારા કેસની ગંભીરતા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે કેસને મજબૂત રીતે રજૂ કરવા અને ન્યાયિક પ્રક્રિયા અસરકારક રીતે આગળ વધે તે માટે ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.