દેશભરના નિષ્ણાતોએ મસ્ક્યુલોસ્કેલેટલ ટ્યુમરના નિદાન, લિંબ સેલ્વેજ સર્જરી અને બાયોપ્સી અંગે આધુનિક અભિગમ રજૂ કર્યો
- AIIMS રાજકોટમાં હાડકાના કેન્સર પર રાષ્ટ્રીય સી.એમ.ઈ. યોજાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ), રાજકોટના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ઓર્થોપેડિક ઓન્કોલોજી (હાડકાના કેન્સર) વિષય પર રાષ્ટ્રીય સ્તરની સતત તબીબી શિક્ષણ (Continuing Medical Education-CME) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશના અગ્રણી ઓર્થોપેડિક ઓન્કોલોજી નિષ્ણાતો, ઓર્થોપેડિક સર્જનો, કેન્સર નિષ્ણાતો, રેસિડેન્ટ ડોક્ટરો તેમજ મેડિકલ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ મસ્ક્યુલોસ્કેલેટલ ટ્યુમરના સમયસર નિદાન, આધુનિક સારવાર પદ્ધતિઓ, નવીન વૈજ્ઞાનિક અભિગમ અને ક્લિનિકલ અનુભવોના આદાન-પ્રદાન દ્વારા દર્દીઓને વધુ ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો. સાથે જ દર્દી સેવા, તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એઈમ્સ રાજકોટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા વિવિધ વૈજ્ઞાનિક સત્રો યોજાયા હતા.
કાર્યક્રમની શરૂઆત ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. કુલભૂષણ કમ્બોજના સ્વાગત પ્રવચનથી થઈ હતી.
ઉદ્ઘાટન સમારોહમાં એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એલ. એન. દોરાયરાજન, ડીન (સંશોધન) ડૉ. (કર્નલ) અશ્વિની અગ્રવાલ તથા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પિન્કી એસ. કે. સાહુ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પુરાવા આધારિત સારવાર, સતત તબીબી શિક્ષણ, સંશોધન અને આંતર વિભાગીય સંકલનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વૈજ્ઞાનિક સત્રોમાં ડૉ. અક્ષત ગુપ્તા, ડૉ. પ્રતીક સિંહાગ, ડૉ. જયમીન શાહ, ડૉ. અશ્વિન પ્રજાપતિ અને ડૉ. મંડીપ
શાહે ઓર્થોપેડિક ઓન્કોલોજીના મૂળભૂત સિદ્ધાંતો, મસ્ક્યુલોસ્કેલેટલ ઇમેજિંગ, બાયોપ્સીની યોગ્ય પદ્ધતિનું જીવંત પ્રદર્શન, પેથોલોજિકલ ફેક્ટર અને જાયન્ટ સેલ ટ્યુમરના સંચાલન તેમજ લિંબ સેલ્વેજ સર્જરી અંગે થયેલી નવીન પ્રગતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સી.એમ.ઈ.માં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઓર્થોપેડિક સર્જનો, ઓન્કોલોજિસ્ટો અને અન્ય તબીબોએ સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમને ઇન્ડિયન મસ્ક્યુલોસ્કેલેટલ ઓન્કોલોજી સોસાયટી (IMSOS) તેમજ ઓર્થોપેડિક સોસાયટી, રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
સમાપન પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે આની શૈક્ષણિક પહેલ દ્વારા એઈમ્સ રાજકોટ કેન્સર સારવાર ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત દર્દી સેવા, આધુનિક અને પુરાવા આધારિત સારવાર, ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ તથા સંશોધનને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે અને આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકોના જ્ઞાન તથા કૌશલ્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે.