Loading Please Wait !!!
મોટામવા સહકારી મંડળીમાં ગરબડ ગોટાલાના ભાજપ નેતા વિજય કોરાટ ઉપર આરોપ

ગાંધીનગર સુધી પહોંચ્યો વિવાદ: રેકોર્ડ છૂપાવવાનો ગંભીર આરોપ

મંડળીના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ ભરત શીંગાળાએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી મંડળીના તમામ રેકોર્ડ જાહેર કરવાની માંગ કરી: હજુ સુધી રેકોર્ડ આપવામાં આવ્યા નથી

સિટી ન્યૂઝ | રાજકોટ

રાજકોટના મોટામવા સેવા સહકારી મંડળીમાં કથિત ગેરરીતિને લઈને વિવાદ ગરમાયો છે. મંડળીના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ શીંગાળાએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને મંડળીના તમામ રેકોર્ડ જાહેર કરવાની માંગ કરી છે.

રજૂઆત મુજબ, અરજદારે અગાઉ મંડળીના રેકોર્ડ અંગે માહિતી માંગેલી હતી, જેના જવાબમાં જિલ્લા રજિસ્ટ્રારે ૧૦ દિવસમાં માહિતી આપવાની સૂચના આપી હતી, છતાં નિર્ધારિત સમય વીતી જવા છતાં માહિતી આપવામાં આવી નથી, જેના કારણે સવાલો ઉઠ્યા છે. ભરત શીંગાળાનો આક્ષેપ છે કે તેઓ ૩૧ જુલાઈ, ૨૦૨૫ની બેઠકમાં ઉપપ્રમુખ તરીકે હાજર હોવા છતાં બાદમાં કોઈ નોટિસ વિના જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. KYC માટે બેંક પહોંચતા તેમને આ બાબતની જાણ થઈ હતી. મંડળીના પ્રમુખ વિજય કોરાટ સામે સત્તાનો દુરુપયોગ અને પરિવારવાદના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સગા-સંબંધીઓને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હોવાના આરોપો સાથે મંડળીના વહીવટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નોંધનીય છે કે વિજય કોરાટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન તેમજ ભાજપ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકે પણ જોડાયેલા છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીને પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આક્ષેપો બાદ આ વિવાદ હવે સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ચર્ચાનો વિષય બન્યો છે. ભરત શીંગાળાએ કાયદાકીય લડત લડવાના સંકેતો આપતા મામલો વધુ ગરમાયો છે.

વિજય કોરાટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અને ભાજપ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી છે

મંડળીના પ્રમુખ વિજય કોરાટ સામે સત્તાનો દુરુપયોગ અને પરિવારવાદના ગંભીર આક્ષેપો