ખેડૂત આંદોલન રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરવાની દીશામાં !
- મોરબીના જેટપર ગામમાં 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ યથાવત
- મહારાષ્ટ્રના નેતાઓ જોડાયા; ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે જમીનના પૂરતા વળતરની માંગ સાથે શરૂ થયેલું આંદોલન હવે ગુજરાતની સરહદ પાર કરવા તૈયારીઓ શરૂ કરી
સિટી ન્યૂઝ@ મોરબી
મોરબી જિલ્લાના જેટપર ગામમાં છેલ્લા ૯૦ દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ યથાવત છે... સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી હોવા છતાં ખેડૂતો સંતોષ માનવા તૈયાર નથી.ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે જમીનના પૂરતા વળતરની માંગ સાથે શરૂ થયેલું આંદોલન હવે ગુજરાતની સરહદ પાર કરીને રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ પણ હવે આ લડતમાં જોડાતા સરકાર માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. મોરબીના જેટપર ગામે ખેડૂતોનો સંઘર્ષ ૯૦માં દિવસે પણ અડગ છે... ખેતરોમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા સામે ખેડૂતો પૂરતા વળતરની માંગ સાથે સત્યાગ્રહ ચલાવી રહ્યા છે... સરકાર સાથે અનેક તબક્કાની ચર્ચા થઈ, કેટલીક માંગ સ્વીકારાઈ. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે મુખ્ય પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. ખેડૂતોની જમીન, કિંમત પણ તે નક્કી કરશે. આંદોલનને હવે નવો વેગ મળ્યો છે. મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ પાટીલ સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું... તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જમીન ખેડૂતોની
છે, તેથી તેની કિંમત પણ ખેડૂત જ નક્કી કરશે. અને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી ખેતરોમાં વીજ પોલ નાખવા દેવામાં આવશે નહીં. રઘુનાથ પાટીલે ચીમકી ઉચ્ચારી કે જો ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવશે... કારણ કે દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો સરકારી નીતિઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.આ તરફ જેટપર ખેડૂત આંદોલન સમિતિએ પણ સરકારને સીધી ચેતવણી આપી છે... આગેવાન નેહુલ અમુથિયાના જણાવ્યા મુજબ, દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનની જેમ હવે ગુજરાતમાં પણ ફાર્મર જન-ઝી આંદોલનની તૈયારી શરૂ થઈ ગઈ છે... અને જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતોની માંગણીઓ સ્વીકાર સાથેની ખેંચતાણ અને હવે અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનોનું વધતું સમર્થન... જેટપરનું આંદોલન હવે માત્ર એક ગામનો પ્રશ્ન રહ્યું નથી... પરંતુ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેની અસર જોવા મળી શકે છે... હવે જોવાનું એ રહેશે કે સરકાર ચર્ચાનો રસ્તો અપનાવે છે કે પછી આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે.