રાજકોટ લોકમેળાનું સ્થળાંતર હવે અનિવાર્ય : મયુર શાહ
લોકમેળો પ્રજાના આનંદ માટે છે કે પછી શહેરની પ્રજાને હેરાન કરવા માટે? તંત્ર સામે મયુર શાહના આકરા સવાલો
ટ્રાફિક, પાર્કિંગ અને ગંદકીથી પ્રજા પરેશાન; શહેર બહાર હાઈવે નજીક વિશાળ સ્થળ પસંદ કરવાની માંગ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે રાજકોટમાં યોજાતા લોકમેળાના આયોજનને લઈને તંત્ર સામે આકરો સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, વર્ષોથી રાજકોટ શહેરની ગધ્યમાં યોજાતા લોકમેળાના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા દર વર્ષે માત્ર તાત્કાલિક વ્યવસ્થા કરીને સંતોષ માની લેવામાં આવે છે અને કાયમી ઉકેલ શોધવાની દિશામાં કોઈ ગંભીર નિર્ણય લેવામાં આવતો નથી.
મયુર શાહે જણાવ્યું કે, લોકમેળો રાજકોટની પરંપરા અને ઓળખ સાથે જોડાયેલો છે અને તેનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ લોકમેળાના નામે શહેરના નાગરિકોને ટ્રાફિક, પાર્કિંગ, ગંદકી અને અવ્યવસ્થાની સમસ્યામાં ધકેલી દેવી એ યોગ્ય આયોજન કહી શકાય નહીં.
લોકમેળાના દિવસોમાં રેસકોર્સ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. સ્થાનિક રહીશો માટે પોતાના ઘર સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. વેપારીઓ, નોકરીયાતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને રોૈજિંદી અવરજવર કરતા નાગરિકોને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.
પાર્કિંગની વ્યવસ્થા ક્યાં છે?
મયુર શાહે સવાલ કર્યો કે, “જ્યારે હજારો લોકો પોતાના વાહનો લઈને મેળામાં આવવાના હોય ત્યારે તેમના વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા અંગેનું કાયમી આયોજન કેમ કરવામાં આવતું નથી?”
મેળામાં આવતા લોકો રસ્તાની બંને બાજુ વાહનો પાર્ક કરવા મજબૂર બને છે અને તેના કારહો ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે. એક તરફ તંત્ર લોકોને મેળામાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે અને બીજી તરફ વાહન પાર્કિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી.
આવી પરિસ્થિતિમાં સ્થાનિક રહીશો અને સામાન્ય વાહનચાલકોને જ ભોગવવું પડે છે.
મેળો પૂરો થાય પછી શહેરને મળે છે કચરાની “ભેટ”!
મયુર શાહે વધુમાં જણાવ્યું કે, લોકમેળો પૂર્ણ થયા બાદ પણ સમસ્યા પૂરી થતી નથી. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ખાણીપીણીનો કચરો, પ્લાસ્ટિક, થેલીઓ, પાણીની બોટલો સહિતનો કચરો એકઠો થાય છે.
“લોકમેળો પૂરો થયા બાદ શહેરને શું મળે છે? કચરાના ડગલા, ગંદકી અને સફાઈ માટે તંત્રની દોડધામ! જો દર વર્ષે આ જ સ્થિતિ સર્જાવાની હોય તો તંત્રને હવે આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે.”
શહેરની મધ્યમાં મેળો યોજવાનો આગ્રહ શા માટે?
મયુર શાહે તંત્રને સીધો સવાલ કર્યો છે કે, રાજકોટનો વિકાસ સતત શહેરની બહાર થઈ રહ્યો છે, નવા વિસ્તાર માટે વિકસી રહ્યા છે, હાઈવે આસપાસ મોટા પ્રમાણમાં ખુલી જમીન અને વિશાળ જગ્યાઓ उपलब्ध છે, તો પછી લોકમેળા જેવા વિશાળ જનસમૂહના કાર્યક્રમ માટે શહેરની મધ્યમાં જ જગ્યા પસંદ કરવાનો આગ્રહ શા માટે?
શહેરની બહાર અથવા હાઈવે નજીક યોગ્ય વિશાળ સ્થળ પસંદ કરવામાં આવે તો ત્યાં અલગથી વિશાળ પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, પ્રવેશ-બહારના અલગ માર્ગો, જાહેર પરિવહન અને સફાઈ માટે જરૂરી માળખું ઊભું કરી શકાય.
તેના કારહો મેળાનાં આવનારા લોકોને પણ વધુ સુવિધા મળશે અને શહેરના સ્થાનિક રહીશોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
તંત્ર દર વર્ષે “વ્યવસ્થા કરીશું” કહેવાને બદલે કાયમી નિર્ણય કરે
મયુર શાહે જણાવ્યું કે, દર વર્ષે મેળા આવે ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિક અને પાર્કિંગ માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા, ડાયવર્ઝન આપવા અને પોલીસનો વધારો સંડોબસ્ત કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે દર વર્ષે આવી કટોકટી જેવી વ્યવસ્થા ઊભી કરવાની જગ્યાએ લાંબા ગાળાનું આયોજન કેમ કરવામાં આવે?
“જો કોઈ વ્યવસ્થા દર વર્ષે નવી સમસ્યા ઊભી કરે છે, તો માત્ર વ્યવસ્થા વધારવી એ ઉકેલ નથી. વ્યવસ્થાનું સ્થળ જ બદલવું એ કાયમી ઉકેલ છે.”
લોકમેળો રહે, પરંતુ રાજકોટની પ્રજા હેરાન ન થાય.
મયુર શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ લોકમેળાની પરંપરાનો વિરોધ કરતો નથી. પરંતુ લોકમેળો જનતાની ખુશી અને મનોરંજન માટે હોવો જોઈએ, જનતાની મુશ્કેલીનું કારણ બનવા માટે નહીં.
લોકમેળામાં હજારો-લાખો લોકો આવે છે ત્યારે શહેરની મુખ્ય ટ્રાફિક વ્યવસ્થા પર તેની અસર પડે છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓને પણ રસ્તો આપવામાં મુશ્કેલી ઊભી ન થાય તે માટે વિશેષ આયોજન જરૂરી છે.
આથી આગામી વર્ષથી લોકમેળાના આયોજન અંગે અવારથી જ નવું અને વૈજ્ઞાનિક આયોજન કરવામાં આવે અને શહેરની બહાર હાઈવે નજીક વિશાળ સ્થળની પસંદગી કરવામાં આવે, તેવી માંગ મયુર શાહે કરી છે.
“હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે”
મયુર શાહે અંતમાં જણાવ્યું કે, “રાજકોટના લોકો હવે માત્ર જાહેરાતો અને દાવાઓ સાંભળવા માંગતા નથી, પરંતુ કાયમી ઉકેલ ઈચ્છે છે. લોકમેળો રાજકોટની પરંપરા છે, તેને વધુ ભવ્ય રીતે યોજવો હોય તો ભલે યોજો, પરંતુ શહેરના સ્થાનિક રહીશોની શાંતિ અને સુવિધાના ભોગે નહીં.
હવે તંત્રએ આંખ ખોલીને વિચારવું પડશે. લોકમેળાનું યોગ્ય સ્થળાંતર એ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ રાજકોટના ભવિષ્ય અને શહેરી આયોજનનો પ્રશ્ન છે. આગામી વર્ષથી લોકમેળો શહેરની મધ્યમાંથી બહાર, દાઈવે આસપાસના યોગ્ય અને વિશાળ સ્થળે ખસેડવામાં આવે તે હવે અનિવાર્ય છે.
મેળાની મજા મેળામાં આવનારા લોકોને મળે અને રાજકોટના સ્થાનિકોને ટ્રાફિક, પાર્કિંગ અને ગંદકીમાંથી મુક્તિ મળે આ જ સાચું આયોજન કહેવાય.”