ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર, તોફાન અને વીજળી પડતા 120 લોકોના મોત
- ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર, તોફાન અને વીજળી પડતા 120 લોકોના મોત
- 26 જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો; 170 પશુઓના મોત અને 227 મકાનો જમીનદોસ્ત
- ક્યાંક વીજળી પડી તો ક્યાંક દીવાલ ધરાશાયી થઈ; મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા રાહતના આદેશ
સિટી ન્યુઝ @ લખનઉ
ઉત્તર પ્રદેશમાં કુદરતનો રૌદ્ર અવતાર જોવા મળ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલા ભીષણ તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવાની શ્રેણીબદ્ધ ઘટનાઓએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં અંદાજે 120 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ આફતમાં માત્ર માનવ જિંદગી જ નહીં, પરંતુ 170 જેટલા પશુઓના પણ મોત થયા છે અને 227 મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર મૂક્યું છે. તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને કડક સૂચના આપી છે કે પીડિત પરિવારોને 24 કલાકની અંદર આર્થિક સહાય અને જરૂરી રાહત સામગ્રી પહોંચાડવામાં આવે. રાજ્યના કુલ 26 જિલ્લાઓ આ તોફાનની ઝપેટમાં આવ્યા છે, જ્યાં હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાને કારણે વીજ પુરવઠો અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
આ કુદરતી પ્રકોપની સૌથી વધુ અસર પ્રયાગરાજ અને ભદોહી જિલ્લામાં જોવા મળી છે. પ્રયાગરાજમાં વીજળી પડવા અને મકાનો ધરાશાયી થવા જેવી અલગ-અલગ ઘટનાઓમાં કુલ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભદોહીમાં તેજ પવન અને વાવાઝોડાને કારણે 16 લોકોના મોત થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
ફતેહપુર અને પ્રતાપગઢમાં પણ તોફાને ભારે ખાનાખરાબી સર્જી છે. ફતેહપુરમાં દીવાલ ધરાશાયી થવાને કારણે 11 લોકોના મોત થયા છે, જ્યારે પ્રતાપગઢમાં વીજળી પડવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત કાનપુર દેહાત, દેવરિયા અને સોનભદ્ર જિલ્લામાં પણ અનેક લોકો કુદરતી આફતનો ભોગ બન્યા છે. તેજ પવનને કારણે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહેસૂલ અને કૃષિ વિભાગની ટીમોને નુકસાનીનો અંદાજ મેળવવા મેદાને ઉતારવામાં આવી છે. અસરગ્રસ્તોને વીમા કંપનીઓ અને સરકારી ધારાધોરણો મુજબ વહેલી તકે વળતર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. તંત્ર દ્વારા ભયગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી છે.