હવસખોર પોલીસમેન મહિલાની દીકરી સામે નગ્ન થઈ અડપલાં કરતો !
=> રાજકોટમાં પીડિતા મહિલાની ડરામણી આપવીતી
=> ન્યાયની માંગ ઉઠી : પીડિતાએ કહેલી હકીકતથી શહેર સ્તબ્ધ
=> મોઢામાં ડૂચો મારી બળાત્કાર ગુજાર્યો અને વીડિયો ઉતાર્યો
=> ઈમરાન કહેતો હું પોલીસ છું એટલે પોલીસ મારૂં કાંઈ બગાડી નહીં શકે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ખાખી વર્દીની આડમાં એક પોલીસકર્મીએ પાડોશમાં રહેતી એક પરિણીતા પર દોઢ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાની સનસનીખેજ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ઇમરાન હબીબ રાઉમા નામના શખ્સે ખાખીનો રોફ જમાવી પીડિતા અને તેની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નરકાગાર જેવી સ્થિતિમાં ધકેલી દીધી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાજકોટ પોલીસની મદદથી અંતે આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પીડિતાએ પોતાની હૃદયદ્રાવક આપવીતી વર્ણવતા જણાવ્યું કે, એક રાત્રે આરોપી ઇમરાને ચાલાકીપૂર્વક જાણી લીધું હતું કે મારા ઘરે માત્ર મારા પિતા અને મારી નાની દીકરી જ છે. હું જેવી ઘરે પહોંચી કે તુરંત જ ઇમરાન ઘરમાં ઘૂસી ગયો હતો અને મારું મોં દબાવીને સીધી રૂમમાં ખેંચી લીધી હતી. બચાવમાં મેં ઇમરાનનું ટી-શર્ટ ફાડી નાખ્યું, પરંતુ તેણે એ જ ફાટેલા ટી-શર્ટથી મોઢામાં ડૂચો મારી દીધો અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે મોબાઈલમાં મારા વાંધાજનક ફોટો અને વીડિયો પણ ઉતારી લીધા હતા.
આરોપી ઇમરાન વારંવાર ધમકી આપતો કે, 'હું પોલીસ છું એટલે પોલીસ મારું કાંઈ બગાડી નહીં શકે, બધા મોટા અધિકારીઓ સાથે મારી ઉઠક-બેઠક છે.' તે દીકરીને વેચી નાખવાની ધમકીઓ આપતો અને દીકરીની સામે જ નગ્ન થઈને અડપલાં કરતો હતો. આ ભયાનક વર્તનથી બાળકી અત્યંત ડરી ગઈ હતી અને આખરે તેણે પોતાના પિતાને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. વધુમાં, ઇમરાને પીડિતાનો મોબાઈલ હેક કરી લીધો હતો અને તેના કોન્ટેક્ટ્સનો દુરુપયોગ કરી ગંદા મેસેજ મોકલતો હતો. આરોપીનો ભાઈ અને પત્ની પણ પીડિતાને પ્રાઇવેટ પાર્ટ પર છરીઓ મારી દેવાની ધમકીઓ આપતા હતા.
VHP ની મદદથી ફરિયાદ નોંધાઈ, પરિવાર પર હુમલાનો પ્રયાસ
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની હેલ્પલાઇન દ્વારા વૈશાલીબેન અને જયદીપભાઈએ પીડિતાને હિંમત આપી હતી. સંગઠનોની મદદથી પીડિતા સીપી ઓફિસે પહોંચી હતી. આ સમયે આરોપી ઇમરાનનો આખો પરિવાર હથિયારો લઈને પીડિતાના ઘરે હુમલો કરવા પહોંચી ગયો હતો, પરંતુ પાડોશીએ પીડિતાના મમ્મી અને ભાભીને બચાવી લીધા હતા. સીપી ઓફિસેથી ફોન આવતા જ આ લોકો ગાળાગાળી કરતા પરત ફર્યા હતા. પીડિતાએ ન્યાયની આકરી માંગ સાથે દુષ્કર્મી પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે.