ગરમીથી ત્રસ્ત દર્દીઓને રાહત : સિવિલ હોસ્પિટલમાં વોર્ડવાઈઝ એરકૂલર લગાવાયા
=> રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશ ચાવડાની રજૂઆત
=> સાંસદ પરષોતમ રૂપાલા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ત્વરિત નિર્ણય
=> સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ માન્યો આભાર
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ 40 ડિગ્રીથી વધુની કાળઝાળ ગરમી અને બફારામાં શેકાઈ રહ્યા હતા. બીમાર દર્દીઓની આ કફોડી હાલત જોઈ સરકારે તેમને ગરમીથી બચાવવા તાત્કાલિક ધોરણે મહત્વનો નિર્ણય લીધો છે.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશ ચાવડા (રાજા-108) દ્વારા દર્દીઓની આ યાતના અંગે સાંસદ પરષોતમ રૂપાલા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને તાત્કાલિક રજૂઆત કરાઈ હતી. જેના પગલે આરોગ્ય વિભાગે ત્વરિત એક્શન લઈ તમામ દાખલ દર્દીઓના વોર્ડમાં એરકુલર મૂકવાની વ્યવસ્થા કરી છે.
તમામ વોર્ડમાં એરકુલર મુકાતા ગરમીથી ત્રસ્ત દર્દીઓ અને તેમના સગાઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. અત્યાર સુધી પંખાની ગરમ હવામાં શેકાતા દર્દીઓને હવે એરકુલરની ઠંડક મળતા સારવાર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું થયું છે.
સિવિલ હોસ્પિટલના બિછાને આકરી ગરમીનો માર સહન કરી રહેલા ગરીબ દર્દીઓ માટે આ એરકુલર આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ દર્દીઓ અને તેમના સગાઓએ રાજેશ ચાવડા, સાંસદ પરષોતમ રૂપાલા અને મંત્રી પ્રફુલ પાનસેરીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. યોગ્ય સમયની રજૂઆત અને ત્વરિત પગલાંથી દર્દીઓને મોટી રાહત મળી છે.