કોઠારીયામાં જૂની અદાવતમાં પિતા-પુત્ર સહિત ત્રણ પર ઘાતક હથીયારોથી હુમલો
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં જૂના ઝઘડા અને કોર્ટ કેસનો ખાર રાખીને ચાર શખ્સોએ બોલેરો પીકઅપના ડ્રાઈવર, તેમના ૨૧ વર્ષીય પુત્ર અને મોટા ભાઈ પર જીવલેણ હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હતો. તલવાર, ફરસી અને લાકડીઓ સાથે સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ જાહેરમાં આતંક મચાવી, પિતા-પુત્રને લોહીલુહાણ કરી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદ અનુસાર, શીતળાધાર વિસ્તારમાં રહેતા અને બોલેરો ચલાવતા ભીખાભાઇ નવલભાઇ મીર(ઉ.વ.૪૨) રાત્રે સાડા નવેક વાગ્યે જમીને પોતાના ઘર પાસે બાકડા પર બેઠા હતા.આ દરમિયાન હાજા રામાભાઇ જોગરાણા, તેજા વશરામભાઇ જોગરાણા, રામા જોગરાણા અને ખોડા જોગરાણા નામના ચાર શખ્સો ગેરકાયદે મંડળી રચી ધસી આવ્યા હતા. હુમલાખોરો પૈકી હાજા જોગરાણાએ ભીખાભાઇના માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે અન્ય શખ્સોએ લાકડી અને ફરસી વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.પિતા ભીખાભાઇ પર હુમલો થતો જોઈ નજીકમાં જ કરિયાણાની દુકાન ચલાવતો તેમનો ૨૧ વર્ષનો પુત્ર વિશાલ મીર તેમને બચાવવા વચ્ચે પડ્યો હતો. હુમલાખોરોએ તેના પર પણ તૂટી પડી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને કારણે વિશાલને માથામાં ટાંકા આવ્યા છે. આ ઉપરાંત, વચ્ચે પડેલા ભીખાભાઇના મોટા ભાઇ દેવુભાઇને પણ પગના ભાગે લાકડીના ઘા મારી મૂઢ માર મારવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ સ્કોર્પિયો કારમાં આવેલા અન્ય ચાર અજાણ્યા માણસો સાથે કારમાં બેસી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસે ભીખાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.