NEET પરીક્ષામાં પેન-પેપર યુગનો અંત, આગામી વર્ષથી કમ્પ્યુટર પર લેવાશે કસોટી
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું એલાન; પેપર લીક રોકવા OMR શીટનો વિકલ્પ હટાવાયો
- NEET કાંડની તપાસ CBIને સોંપાઈ; શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો કઠોર નિર્ણય
- વિદ્યાર્થીઓને મળશે 15 મિનિટનો વધારાનો સમય; મનપસંદ શહેર પસંદ કરવા એક અઠવાડિયાની છૂટ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
NEET UG 2026ની પરીક્ષાના પેપર લીક થવાની ગંભીર ઘટના બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પરીક્ષા પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEETની પરીક્ષા ઓનલાઈન એટલે કે કમ્પ્યુટર બેઝ્ડ (CBT) યોજવામાં આવશે. આ સાથે જ વર્ષોથી ચાલી આવતી OMR શીટ પરની પરીક્ષા પદ્ધતિનો હવે અંત આવશે.
શિક્ષણ મંત્રીએ પેપર લીક કાંડમાં સામેલ તત્વોને કડક ચેતવણી આપતા જણાવ્યું કે, "જે લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, તેમને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે." સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસ CBIને સોંપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે સરકારની લડાઈ સીધી રીતે પરીક્ષા માફિયાઓ સામે છે અને NTAમાં 'ઝીરો એરર' સિસ્ટમ લાગુ કરવી એ અમારી પ્રાથમિકતા છે.
રદ થયેલી પરીક્ષાના અનુસંધાને NTA દ્વારા નવી તારીખો જાહેર કરવામાં આવી છે. હવે NEET 2026ની નવી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે, જેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ ફાળવવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તે માટે સરકાર વિશેષ ધ્યાન આપશે અને પરીક્ષા કેન્દ્ર માટે મનપસંદ શહેર પસંદ કરવા એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે.
મંત્રીએ સ્વીકાર્યું હતું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ભારે હૈયે લેવો પડ્યો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું હતું કે 12 મે સુધીમાં જ 'ગેસ પેપર'ના નામે અસલી પ્રશ્નપત્રના સવાલો બહાર આવી ગયા હતા. લાખો મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ કરવી અનિવાર્ય હતી. આગામી વર્ષથી ઓનલાઈન મોડ અપનાવવાથી સુરક્ષા મજબૂત બનશે અને ગેરરીતિની શક્યતાઓ નહિવત થઈ જશે.
શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સરકારની આ જાહેરાત બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા વધુ પારદર્શક અને સુરક્ષિત બનશે.