જયપુરમાં 23 અબજનું આંતરરાષ્ટ્રીય કૌભાંડનો આરોપી રાજકોટમાં?
- આવકવેરા સર્વેમાં ખુલાસો | CA અભિષેક જૈને નકલી પ્રમાણપત્રો દ્વારા અબજો રૂપિયા વિદેશ મોકલ્યા₹23,95,63,97,271
- રાજસ્થાનમાં જયપુર પોલીસે અભિષેક જૈન સહિતના આરોપી સામે FIR નોંધી
- 40 બોગસ કંપનીઓ, સંસ્થાઓના નામે કર્યું ગરબડ ગોટાળા રિટર્ન નહીં ભરતા લોકોના નામનો ઉપયોગ કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
આવકવેરા વિભાગના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (વિદેશી સંપત્તિ અન્વેષણ એકમ) ની ફરિયાદ પર જયપુરના પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિષેક જૈન સામે કથિત નાણાકીય છેતરપિંડી અને નકલી પ્રમાણપત્ર જારી કરવા અંગે FIR નોંધવામાં આવી છે.
ડેપ્યુટી ડિરેક્ટર (ઇન્વેસ્ટિગેશન) જયપુર મિંટૂલાલ મીણા દ્વારા નોંધાવવામાં આવેલી FIR માં જણાવાયું છે કે નકલી અને શેલ કંપનીઓ મારફતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માં ૨૩ અબજ ૯૫ કરોડ ૬૩ લાખ ૯૭ હજાર ૨૭૧ રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા. આવકવેરા વિભાગે ગત ૧૮ ઓગસ્ટે CA અભિષેક જૈનની માનસરોવર સ્થિત ઓફિસમાં તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે તેમણે કોઈપણ ચકાસણી કર્યા વિના વિદેશમાં નાણાં મોકલવા માટે ૩૧૬૮ ફોર્મ ૧૫CB પ્રમાણપત્ર જારી કર્યા હતા. તપાસના દાયરામાં ૪૦ સંસ્થાઓ અને વ્યક્તિઓ છે, જેમાંના ઘણા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નહોતા કરી રહ્યા અને તેમનો વ્યવસાય અને આવક સાવ ઓછી હતી, જ્યારે તેમના મારફતે જંગી રકમ વિદેશ મોકલવામાં આવી. નકલી પ્રમાણપત્રોના આધારે વિદેશી હૂંડિયામણનું આ ટ્રાન્સફર થયું. વિભાગે પોલીસને CA સાથે અન્ય વચેટિયાઓ અને અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરવા કહ્યું છે.
=> બેંક મેનેજરને કહ્યું સેવિંગ્સ એકાઉન્ટ અને માઈનોર એકાઉન્ટ ખોલાવવું છે
=> અભિષેક જૈન નામનો વ્યક્તિ રાજકોટની એક બેંકમાં ખાતું ખોલાવા આવ્યો હોવાની ચર્ચા?
=> શેલ કંપનીના 7 કરોડ રકમ પત્ની અને સંતાનના નામે ટ્રાન્સફરનું કહેતા શંકા ઉભી થઈ?
રાજકોટ સ્થિત એક બેંક શાખામાં સેવિંગ્સ એકાઉન્ટ અને માઈનોર એકાઉન્ટ ખોલાવવા આવેલા એક ગ્રાહકને લઈને બેંક સ્ટાફમાં સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અભિષેક જૈન નામનો ગ્રાહક એકાઉન્ટ ખોલાવવા શાખામાં આવ્યો હતો. એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેનો શરૂઆતમાં રૂ. ૨૦ થી ૨૫ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. ત્યારબાદ પોતાની પાસે કુલ રૂ. ૭.૫ કરોડ હોવાનું જણાવી આ રકમ પત્ની અને સંતાનના નામે ટ્રાન્સફર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાહકના સરનામા અંગે પૂછપરછ કરવામાં આવતા તેણે હાલ છેલ્લા ૨૦ દિવસથી ખાનગી હોટલમાં રોકાયો હોવાનું જણાવ્યું હતું અને પોતાના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાનું કારણ આપ્યું હતું.
આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને બેંક તરફથી સંબંધિત સ્ટાફને ગ્રાહકની મુલાકાત થાય ત્યારે જરૂરી ચકાસણી અને બેંકની પ્રક્રિયા મુજબ યોગ્ય સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
=> બેંકે પોતાના નામની આવી વ્યક્તિથી સાવચેત રહેવા બેંકના ગ્રુપમાં સાવધાન રહેવા મેસેજ વાયરલ કર્યા