Loading Please Wait !!!
ટંકારા-રાજકોટ હાઈવે પર ચાલુ સ્કૂલ બસમાં ભીષણ આગ: 47 વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ

 

  • બસના વાયરિંગમાંથી ધુમાડા નીકળતાં ડ્રાઈવર ચિરાગભાઈએ તાત્કાલિક સાઈડમાં ઊભી રાખી

  • વીરવાવ, ગણેશપર, મીતાણા અને પ્રભુનગર વિસ્તારના વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા

  • પોલીસની 112 વાન સ્થળ પર પહોંચી પરંતુ આગ એટલી ઝડપી હતી કે બસ બળીને ખાખ થઈ

સિટી ન્યુઝ @ મોરબી

ટંકારા-રાજકોટ હાઈવે પર મીતાણા ઓવરબ્રિજ નજીક આર્ય વિદ્યાલયમ સ્કૂલની એક ચાલુ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ વિકરાળ આગમાં જોતજોતામાં સમગ્ર બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, બસના ડ્રાઈવરની સમયસૂચકતા અને ત્વરિત સતર્કતાને કારણે બસમાં સવાર તમામ 47 વિદ્યાર્થીઓનો આબાદ ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

આ ઘટના બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસ (GJ 17 W 4067) શાળા છૂટ્યા બાદ ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીઓને પરત તેમના ઘરે મૂકવા જઈ રહી હતી. મીતાણા ગામ પાસે પહોંચતાં જ અચાનક બસના વાયરિંગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેનાથી વાતાવરણમાં ગભરાટ ફેલાયો હતો.

બનાવ બનતાં જ બસચાલક ચિરાગભાઈ વિનોદભાઈ પારીઆએ તરત જ સમયસૂચકતા દાખવીને બસને રોડની સાઈડમાં સુરક્ષિત ઊભી રાખી દીધી હતી. તેમણે કોઈપણ વિલંબ વિના બસમાં સવાર તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી લીધા હતા. બાળકો નીચે ઉતર્યાની થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બસમાં વીરવાવના 17, ગણેશપરના 15 તેમજ મીતાણા અને પ્રભુનગરના 15 મળીને કુલ 47 વિદ્યાર્થીઓ સવાર હતા. જે પૈકી કેટલાક બાળકોને રસ્તામાં ઉતાર્યા બાદ બાકીના વિદ્યાર્થીઓને મૂકવા જતી વખતે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની 112 વાનની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી.

ડ્રાઈવર અને પોલીસ સ્ટાફે આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્કૂલ બસનું નિયમિત મેન્ટેનન્સ થતું હતું કે કેમ તે દિશામાં ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.

સ્કૂલ બસમાં આગ, 47 વિદ્યાર્થીઓનો બચાવ

ટંકારા-રાજકોટ હાઈવે પર મીતાણા પાસે આર્ય વિદ્યાલયમની સ્કૂલ બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી. વાયરિંગમાંથી ધુમાડો નીકળતાં જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તમામ 47 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.