ગુજરાતમાં 3 સ્ટાર હોટલથી મોંઘા હોસ્પિટલના રૂમ
- કેટલીક હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂમનું એક દિવસનું ભાડું 5000 થી લઈને 45000
- સંસદમાં મુદ્દો ઉઠ્યો; ખાનગી હોસ્પિટલનો સરકાર રૂમ ચાર્જ નક્કી કરે
સિટી ન્યૂઝ@અમદાવાદ
ખાનગી હોસ્પિટલોમાં સારવાર હવે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે સતત મોંઘી બની રહી છે. સારવારના ખર્ચની સાથે હોસ્પિટલના રૂમ ચાર્જને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. અમદાવાદની કેટલીક ખાનગી હોસ્પિટલોમાં સ્પેશિયલ અને ડિલક્સ રૂમનું એક દિવસનું ભાડું રૂ.૫,૦૦૦થી રૂ.૫૦,૦૦૦ સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. કેટલીક હોસ્પિટલોના રૂમ ચાર્જ ૩-સ્ટાર અને ૪-સ્ટાર હોટલના રૂમ કરતાં પણ વધુ છે. આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો છે અને ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અંગે સરકાર દ્વારા મર્યાદા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.
અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં જણાવાયેલા રૂમ ચાર્જ મુજબ હેલ્થ વન હોસ્પિટલમાં રૂ.૪,૫૦૦થી રૂ.૧૦,૦૦૦, AB પ્લસ હોસ્પિટલમાં રૂ.૫,૦૦૦થી રૂ.૨૫,૦૦૦થી વધુ, સિલ્મસ હોસ્પિટલમાં રૂ.૮,૦૦૦થી રૂ.૨૫,૦૦૦ અને અપોલો હોસ્પિટલમાં રૂ.૮,૦૦૦થી રૂ.૪૫,૦૦૦ સુધીનો એક દિવસનો ચાર્જ જોવા મળે છે. રૂમની કેટેગરી અને સુવિધા પ્રમાણે આ દરોમાં મોટો તફાવત છે.
- 3-સ્ટાર હોટલ કરતાં હોસ્પિટલના રૂમ મોંઘા
અમદાવાદની ૩-સ્ટાર હોટલમાં એક દિવસના રૂમનું ભાડું રૂ.૨,૫૦૦થી રૂ.૪,૫૦૦ અને ૪-સ્ટાર હોટલમાં રૂ.૫,૦૦૦થી રૂ.૭,૦૦૦ સુધી હોવાનું જણાવાયું છે. તેની સરખામણીમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના સ્પેશિયલ અને ડિલક્સ રૂમના ચાર્જ નોંધપાત્ર રીતે વધુ છે.
- રૂમ ભાડું જ નહીં, સારવારનો ખર્ચ પણ અલગ
હોસ્પિટલમાં દાખલ દર્દીએ માત્ર રૂમ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ, દવાઓ, વિવિધ તપાસો અને સારવારનો ખર્ચ અલગથી ચૂકવવો પડે છે. રૂમની કેટેગરી બદલાય ત્યારે કેટલીક સેવાઓના ચાર્જમાં પણ વધારો થતો હોવાથી દર્દીના પરિવારનો કુલ ખર્ચ અનેકગણો વધી શકે છે.
- હોસ્પિટલ સંચાલકો મોંઘવારીને કારણ ગણાવે છે
હોસ્પિટલ સંચાલકોના જણાવ્યા મુજબ મોંઘવારીની સાથે હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ, મેડિકલ સાધનો, સ્ટાફના પગાર, સફાઈ, વીજળી અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે. આ વધેલા ખર્ચની અસર રૂમના ભાડામાં પણ જોવા મળે છે.
- સરકાર રૂમ ચાર્જની મર્યાદા નક્કી કરે તેવી માંગ
ખાનગી હોસ્પિટલોના વધતા ખર્ચ વચ્ચે હવે સરકાર દ્વારા રૂમ ચાર્જ અંગે નિયમન અને મર્યાદા નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હોસ્પિટલોએ રૂમના ભાડા ઉપરાંત સારવાર સાથે જોડાયેલા તમામ ચાર્જની વિગતો ઓનલાઈન જાહેર કરવી જોઈએ, જેથી દર્દી અને પરિવારને સારવાર શરૂ કરતા પહેલાં અંદાજિત ખર્ચની સ્પષ્ટ માહિતી મળી શકે.મેડિકલ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો થતો હોવાના કારણે સામાન્ય પરિવારો પર બેલડો આર્થિક બોજ પડી રહ્યો છે. ખાસ કરીને સરકારી આરોગ્ય યોજનાનો લાભ ન મળતા પરિવારો માટે ગંભીર બીમારી દરમિયાન ખાનગી હોસ્પિટલોનો ખર્ચ મોટો પડકાર બની રહ્યો છે. તેથી ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ અને સારવાર ખર્ચમાં પારદર્શિતા લાવવા સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે નજર છે.