સિંગતેલમાં ભાવવધારો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બા દિઠ 60 થી 70 નો વધારો
તહેવારો ટાણે તમામ વસ્તુઓના ભાવ વધતા મધ્યમવર્ગની કસોટી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાધતેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને સામાન્ય જનતા માટે રસોડાનો ખર્ચ નિભાવવો મુશ્કેલ બની રહ્યો છે. માત્ર છેલ્લા એક અઠવાડિયામાં જ સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બા દીઠ ભાવમાં ૬૦થી ૭૦નો વધારો થયો છે.આ ઉપરાંત મધ્યમ અને ગરીબ વર્ગમાં વધુ વપરાતા પામતેલના ભાવમાં પણ ડબ્બે ૫૦નો સૈદ્ધાંતિક વધારો નોંધાયો છે. જેના કારણે બજારમાં ખાધતેલના ભાવવધારાની ચર્ચા તેજ બની છે. ખાધતેલના ભાવમાં અચાનક આવેલા ઉછાળા પાછળ કુદરતી પરિબળ મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન યોગ્ય સમયે વરસાદ
પહોંચી જતા સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રે મગફળી અને કપાસના વાવેતરને અસર થઈ છે. પૂરતા પાણીના અભાવે મગફળી અને કપાસનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે.કાયા માલની અછત ઊભી થવાના એંધાણ વચ્ચે ઓઈલ મિલોમાં પીલાણ માટે મગફળીની આવક ઘટી છે. તેની સીધી અસર સિંગતેલના પુરવઠા અને ભાવ પર જોવા મળી રહી છે.
ભાવ વધારા પાછળના મહત્વપૂર્ણ કારણો
-
ચોમાસાના પાછલા તબક્કામાં વરસાદ ખેંચાયો
-
મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ
-
મગફળીનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું થવાનો અંદાજ
-
પીલાણ મિલો માટે કાચા માલની અછત
-
મગફળીની આવક ઘટતાં સિંગતેલના પુરવઠા પર અસર
-
તહેવારોમાં ખાધતેલની માગ વધવાની શક્યતા
આગામી દિવસોમાં સ્થિતિ વધુ કપરી બની શકે
બજારના નિષ્ણાતો અને વેપારીઓનાં જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સ્થિતિ વધુ કપરી બની શકે છે. વરસાદની ખેંચ અને ઉત્પાદન ઘટવાના કારણે દિવાળીના તહેવારો સુધીમાં સિંગતેલના ભાવમાં હજી મોટો ઉછાળો આવવાની શક્યતા છે. તહેવારોના સમયે જ તેલના ભાવ વધતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો દરખર્ચ પર વધુ આર્થિક ભાર પડી શકે છે.
દિવાળી સુધી સિંગતેલમાં મોટો ઉછાળો આવવાની શક્યતા
વેપારીઓ અને બજારના તજજ્ઞોના મતે આગામી દિવસોમાં તેલના ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિના કારણે સિંગતેલના ભાવ હજુ ઊંચા જઈ શકે છે. ખાસ કરીને દિવાળીના તહેવારો નજીક આવતાં તેલની માંગમાં વધારો થશે. સામે નવો પાક ઓછો રહેવાની શક્યતા હોવાથી ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. પરિણામે ચાલુ વર્ષે તહેવારો દરમિયાન સામાન્ય પરિવારના બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે.