રાજકોટમાં સ્વાઈન ફ્લૂની એન્ટ્રી-બે કેસ
- આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
- બે દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ ગાંધીનગરમાં પણ 2 કેસ નોંધાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજકોટ અને ગાંધીનગરમાં ૨-૨ કેસ નોંધાયા છે. રાજકોટમાં થાપર અને મેટોડાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૩૩ વર્ષીય યુવક અને ૨૭ વર્ષીય સગર્ભા મહિલાની સારવાર ચાલી રહી છે.
ગાંધીનગરના ૩૩ વર્ષીય યુવકને છેલ્લા ૪ દિવસથી ઠંડી સાથે તીવ્ર તાવ, શરદી-ઉધરસ અને માથાના દુખાવાની તકલીફ હતી. તપાસ અને લેબોરેટરી
રિપોર્ટમાં H1N1 પોઝિટિવ આવ્યો હતો. તેની હિસ્ટ્રી તપાસતા તે તાજેતરમાં અજમેરથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે. બીજા કેસમાં ૨૭ વર્ષીય સગર્ભા મહિલાને ગળામાં બળતરા, તાવ, શરદી અને સૂકી ઉધરસની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ પણ H1N1 પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂ સામેની આગોતરી સજ્જતા અને રોગચાળાના નિયંત્રણની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. મંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી અને
મુંબઈ જેવા મહાનગરોમાંથી સીઝનલ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ હવાઈ, રેલવે તથા બસ માર્ગે સતત આવાગમન રહે છે. જોકે રાજ્યમાં હાલ કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.આરોગ્ય મંત્રીએ વર્ષ ૨૦૧૬ની H1N1 ગાઇડલાઇન મુજબ તમામ સરકારી હોસ્પિટલોમાં સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું પાલન કરવા સૂચના આપી હતી. ઇમરજન્સી કોઈ વિભાગ, તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ જરૂરી માર્ગદર્શન અપવા જણાવાયું છે.
સાથે જ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પુરતી સુવિધા ઉપલબ્ધ રાખવા તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજના ડીન તથા જિલ્લા અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલોમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પણ ભાર મૂકાયો છે.