સરકારનો મેગા સ્ટ્રાઈક 72 IASની બદલી અનુભવીઓ હવે મેદાનમાં
=> બ્યુરોકસીમાં મેજર સર્જરી : નવા મ્યુનિસિપલ કમિશનરો પોતાનો ચાર્જ સંભાળશે ત્યારબાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત
સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બુધવારે વહેલી સવારે IAS અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટા રી-શફલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ બદલીઓમાં તાજેતરમાં જ નવી બનેલી 9 મનપાની પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. આ 9માંથી 8 મનપાના મ્યુનિકમિશનરની બદલી કરી નવા કમિશનર મૂકવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર મનપાના કમિશનરની બદલી કરવામાં આવી નથી.
દોઢ વર્ષ પહેલા નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા બાદ સૌપ્રથમ વખત મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે બદલીઓ થયા બાદ બે દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ લીધા બાદ જ હવે નવી ચૂંટાયેલી પાંખ જાહેર થશે.
જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.