Loading Please Wait !!!
રાજકોટના મેયર કોણ ? કાલે થશે નામ ફાઈનલ : જાહેરાતના બે દી' પછી



=> બનશે શહેરનો બોસ ? લોબીંગ અને દાવપેચ ચરમસીમાએ

=> પાર્લામેન્ટની બેઠકમાં કાલે રાજકોટના પાંચ નામોની ચર્ચા: બાદ નિર્ણય લેવાશે

=> પ્રમુખ સહિત ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા

=> પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિયમાં રેસ

=> ફ્રેશ નામો ઉપર વધારે ફોકસ

=> લોહાણા સમાજમાંથી દક્ષાબેન વસાણી, ડેપ્યૂટી મેયર પદે લગભગ નક્કી ?

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટની પ્રદેશ કક્ષાની સંકલનની બેઠક મળી ગઈ છે હવે 14મી મેના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં મુખ્ય પાંચ હોદ્દેદારના નામ નક્કી કરી લેવામાં આવશે અને આગામી 19 અથવા તો 20મી સુધીમાં રાજકોટને પ્રથમ નાગરિક સહિતના હોદ્દેદારો કોણ તેની જાણ થઈ જશે.રાજકોટમાં આ વખતે પ્રથમ અઢી વર્ષ સવર્ણ સમાજ માટે મેયર બનાવવાના છે. ત્યારે વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે, સૌથી પ્રથમ નામ નેહલ શુક્લનું ચાલી રહ્યું છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ(ટીકુભા) જાડેજા, દિલીપ લુણાગરિયા, કેતન પટેલ અને પરેશ પીપળિયાના નામ પણ ચર્ચામાં છે. નેહલ શુક્લ તેના આક્રમક સ્વભાવના કારણે જાણીતા છે અને તેઓ સ્વતંત્ર રીતે જનહિતમાં નિર્ણય લેવા માટે પણ ચર્ચામાં છે.આ કારણોસર તેઓનું નામ કદાચ હટાવીને અન્યને મેયર પદ મળે તે માટે કેટલાક નેતા પ્રયાસ કરી રહ્યા છે.

જો આમ થશે તો નરેન્દ્રસિંહ જાડેજા(ટીકુભા) પર મંજૂરીની મહોર મારવામાં આવે. એક પોલિસી એવી પણ બની રહી છે કે, ગત ટર્મમાં જે હોદ્દેદારો હતા તેઓને આ વખતે કોઇ પદ ન સોંપવું. જો આમ થશે તો ટીકુભા પણ કપાઈ જશે અને સામા કાંઠા વિસ્તારના ત્રણ લેઉવા પટેલ સમાજના લુણાગરિયા, કેતન પટેલ અને પરેશ પીપળિયામાંથી કોઇ એકની પસંદગી થશે. જોકે ગત ટર્મમાં પણ સામા કાંઠા વિસ્તારમાંથી જ લેઉવા પટેલ સમાજના નયનાબેન પેઢડિયા મેયર રહી ચૂક્યા છે. અને એક વાત એવી પણ ચર્ચામાં છે કે દર વખતે સામા કાંઠા વિસ્તારના જ પાટીદારને શા માટે હોદ્દા મળી રહ્યા છે. 

આથી એક નવું જ નામ મેયર માટે મુકાય અને તેના પર સર્વસંમતિ સધાય તેવું મનાઈ રહ્યું છે. આ નામ છે, વોર્ડ નં. 10ના કડવા પાટીદાર સમાજના અશ્વિન ભોરણિયા. એટલે કે, ભોરણિયાને મેયર પદ મળવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ડેપ્યુટી મેયર માટે લોહાણા સમાજની જ પસંદગી કરવામાં આવે તે લગભગ નક્કી છે. આ માટે દક્ષાબેન વસાણીનું નામ ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું છે. મેયર માટે જો કડવા અથવા લેઉવા પાટીદાર કે બ્રાહ્મણની પસંદગી થાય તો સ્ટેન્ડિંગ કમિટી ક્ષત્રિય સમાજના કોર્પોરેટરને સોંપવામાં આવે તેમ પણ મનાય રહ્યું છે.