Loading Please Wait !!!
ઇમરજન્સી લેન્ડિંગ થયેલું વિમાન રાજકોટ એરપોર્ટ પર જ રખાયું

ખાનગી એજન્સી નિર્ણય લેશે

સિટી ન્યૂઝ@રાજકોટ

દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં ટેકઓફ બાદ ધુમાડાની ગંધ અને સંભવિત ટેકનિકલ ખામીની આશંકા સર્જાતા સોમવારે બપોરે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેનું સફળ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં સવાર તમામ ૧૮૪ મુસાફરો તથા ૭ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને જરૂરી વ્યવસ્થા કરી તંત્ર દ્વારા તેઓને યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, તેમજ આગામી થોડા દિવસ સુધી આ વિમાન રાજકોટ એરપોર્ટ પર રહેશે અને ચકાસણી અને રિપેરિંગ સહિતની કામગીરી બાદ આગામી નિર્ણય લેવાશે.

દુબઈથી મુંબઈ તરફ જતી ફ્લાઈટ બપોરે લગભગ આશરે ૨:૨૪ વાગ્યે ગુજરાતના આકાશમાં હતી ત્યારે કોકપિટમાં ધુમાડાની ગંધની જાણ થતાં પાઇલોટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરી તાત્કાલિક લેન્ડિંગની મંજૂરી માંગી હતી. નજીકમાં આવેલા રાજકોટ હીરાસર એરપોર્ટને પસંદ કરી વિમાનને ત્યાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ જાણ મળતા જ સમગ્ર એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કર્યું હતું, ફાયર બ્રિગેડ, એરપોર્ટ પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, ક્યુઆરટી, મેડિકલ ટીમ અને અન્ય તમામ ઇમરજન્સી સેવાઓને રનવે પર તૈનાત કરવામાં આવી હતી. અંદાજે ૭૦ જેટલી એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડરો તેમજ બચાવ માટે જરૂરી સાધનો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. બપોરે આશરે ૩:૨૭ વાગ્યે ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર સફળ ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું, લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢી એરપોર્ટ ટર્મિનલમાં ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોને કોઈ પ્રકારની ઈજા પહોંચી ન હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિત વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર દોડી આવ્યા હતા અને સમગ્ર બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી તેમજ મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

પ્રાથમિક તપાસમાં ફ્લાઈટમાં ધુમાડાની ગંધનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખી એરક્રાફ્ટને પાર્કિંગ બેમાં રાખી એન્જિનિયરિંગ ટીમ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર દ્વારા એન્જિન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, વાયરિંગ સહિતના તમામ મહત્વના ભાગોની ચકાસણી કરવામાં આવી રહી છે. જરૂરી જણાય તો ડાયરેקטરોટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરની પણ તપાસ કરવામાં આવશે, તેમજ આગામી દિવસોમાં વિમાનને રાજકોટ એરપોર્ટ પર ચકાસણી અર્થે રાખી વધુ નિર્ણય જે તે જાનગી એજન્સી દ્વારા લેવામાં આવશે. આ સમય ઘટનામાં એરપોર્ટ પ્રશાસન, સુરક્ષા દળો અને બચાવ ટીમોની ઝડપી કામગીરીને કારણે તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. વિમાનના સફળ લેન્ડિંગ બાદ તંત્ર દ્વારા મુસાફરો માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી તેઓને તેમના નક્કી કરેલા સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

મચુરી પુરોહિતે લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓએ ચલાવેલી લડતમાં મળેલી જીત માટે નિર્ભય રીતે ઉઠાવેલ અવાજ પ્રશંસાને પાત્રઃ તુષિત પાણેરી