Loading Please Wait !!!
અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ડીલ થશે

  • ટ્રમ્પની ધમકી અને ઈરાનના વોકઆઉટ ડ્રામા બાદ રાતભર ચાલેલી મંત્રણાના અંતે રાહતના સમાચાર
  • કતર અને પાકિસ્તાનની મધ્યસ્થતાથી લેવાયા 3 મોટા નિર્ણયો, ઈરાન પરથી ઓઈલ નિકાસનો પ્રતિબંધ હટ્યો
  • લેબનાનમાં શાંતિ માટે ડી-કોન્ફ્લિક્શન સેલ રચાશે, ઈરાને પરમાણુ બોમ્બ ન બનાવવાની આપી ખાતરી

સિટી ન્યુઝ @ જિનેવા

અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ન્યૂક્લિયર મંત્રણા શરૂઆતના ભારે તણાવ બાદ આખરે સફળતા તરફ આગળ વધી છે. કતર અને પાકિસ્તાનની મધ્યસ્થતાથી રાતભર ચાલેલી મેરેથોન બેઠક બાદ બંને દેશો આગામી 60 દિવસમાં અંતિમ પરમાણુ કરાર સુધી પહોંચવાના રોડમેપ પર સહમત થયા છે. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં યુદ્ધ ટાળવા હોર્મુઝની ખાડીમાં બંને દેશોની નૌસેનાઓ વચ્ચે સંઘર્ષ ટાળવા કમ્યુનિકેશન લાઈન અને લેબનાન હિંસા રોકવા સંયુક્ત ડી-કોન્ફ્લિક્શન સેલની રચના કરવાનો પણ મોટો નિર્ણય લેવાયો છે. ઈરાનના વિદેશમંત્રી અરાઘચીએ જાહેર કર્યું છે કે આ મંત્રણાના ફળસ્વરૂપે ઈરાન પરથી ઓઈલ નિકાસનો પ્રતિબંધ હટી ગયો છે, અમેરિકાએ નેવી બ્લૉકેડ દૂર કર્યું છે અને તેમની જપ્ત કરાયેલી મિલકતો રિલીઝ થઈ ચૂકી છે.

જોકે, આ મંત્રણાની શરૂઆત ખૂબ જ નાટકીય રહી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠકની શરૂઆતમાં જ ઈરાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે જો લેબનાનમાં હિઝબુલ્લાહ દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવાનું બંધ નહીં થાય તો અમેરિકા ઈરાન પર સીધો લશ્કરી હુમલો કરશે. આ આક્રમક નિવેદનથી નારાજ થઈને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકર ગાલિબાફે વળતો પ્રહાર કરી પોતાના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણામાંથી વોકઆઉટ કર્યું હતું. આ ડ્રામા બાદ એક સમયે મંત્રણા તૂટી ગઈ હોવાની અફવાઓ ફેલાઈ હતી પરંતુ, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની ટીમે આખી રાત કઠિન રાજદ્વારી પ્રયાસો કરીને ઈરાનને ફરીથી ટેબલ પર લાવવામાં સફળતા મેળવી હતી.

બેઠકના પ્રથમ 80 મિનિટના સત્રમાં મુખ્યત્વે અગાઉના કરારો અને લેબનાનની સ્થિતિ પર જ ફોકસ કરવામાં આવ્યું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સ્પષ્ટતા કરી છે કે તેઓ યુરેનિયમ સંવર્ધનનો પોતાનો અધિકાર નહીં છોડે, પરંતુ ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માંગતું નથી અને આ અંગે લેખિત ગેરંટી આપવા પણ તૈયાર છે. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલી સૈનિકો અડગ રહેશે અને તેઓ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં.

વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટ પર અસર

ઈરાન પરથી ઓઈલ નિકાસના પ્રતિબંધો હટાવવાની જાહેરાત વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવતું ઈરાન ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું ક્રૂડ સપ્લાય કરશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવવાની પ્રબળ શક્યતાઓ છે. આનાથી ભારત જેવા વિકાસશીલ અને તેલ આયાતકાર દેશોની આર્થિક સ્થિતિને સીધો ફાયદો થશે.