પાટીદાર દીકરીઓને સિંગર ન બનાવો સિંગિંગ ફિલ્ડ સુરક્ષિત નથી ?
સિંગર રિધ્ધી રાજપરાના લવ મેરેજનો વિવાદ
પાટીદાર લોકગાયકોનો વિવાદિત દાવો; અહીં ભોગ જ બનવું પડે છે !
-
સિંગિંગ ક્ષેત્રમાં છે અંધારું સત્ય
-
દીકરીઓના ભવિષ્ય સાથે થઈ રહ્યો છે ખેલ ?
-
માતા-પિતાએ સજાગ રહેવાની જરૂર : લોકગાયકોની અપીલ
સિટી ન્યૂઝ@રાજકોટ
પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજુ તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો છે. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર 'નો એન્ટ્રી' સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા છે અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું છે કે,
પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે. રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દાને લઈને જાણીતા લોકગાયક અશોક માળિયાએ પોતાનો ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કલા ક્ષેત્રે આવતી દીકરીઓના ભવિષ્ય અને સમાજની જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અશોક માળિયાએ જણાવ્યું હતું કે, આ જે મુદ્દો ચાલી રહ્યો છે તે પાટીદારની દીકરીનો છે, જેના કારણે કલા જગત અને સમાજ તરીકે અમને પણ તેના છાંટા ઉડે છે. અમારે તેના પ્રેમ લગ્ન કે અંગત જીવન સાથે કોઈ લેવા-દેવા નથી. પરંતુ, આ ઘટના દરેક સમાજ માટે એક મોટી આંખ ઉઘાડનારી અને નોંધ લેવા જેવી છે. કોઈપણ સમાજમાં જ્યારે આવી ઘટના બને, ત્યારે દરેક સમાજે એક થઈને તેનો
વિરોધ કરવો જોઈએ અને વાંધો ઉપાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય. દીકરીઓના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અશોક માળિયાએ કલાકાર અને પાટીદાર દીકરીના માતા-પિતાને ખાસ વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, "હું દીકરીના માતા-પિતાને ખાસ કહેવા માંગું છું કે પોતાની દીકરીઓને આ લાઈન ઉપર ન મૂકો. પ્રોત્સાહન મેળવવા અને આગળ વધવા માટે બીજી ઘણી સારી લાઈનો અને ક્ષેત્રો ઉપલબ્ધ છે. આ લાઈનમાં તો અંતે દીકરીઓએ માત્રને માત્ર ભોગ જ બનવું પડે છે. પાટીદાર સમાજના કલાકારો અને દીકરીઓની વર્તમાન સ્થિતિને લઈને લોકગાયક લાલુ માલવિયાએ પણ એક ખૂબ જ મહત્વનું અને ચર્ચાસ્પદ નિવેદન આપીને સમાજના વાલીઓને જાગૃત થવા અપીલ
કરી છે. તાજેતરમાં પાટીદાર સમાજની ગાયિકા દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્નના મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપતા તેમણે સમાજના વડીલોને ગંભીરતા સમજવા વિનંતી કરી છે.લાલુ માલવિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી, આની પહેલા પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. જ્યારે પણ સિંગિંગ લાઈન સાથે જોડાયેલી દીકરીઓ દ્વારા આવા આઘાતજનક નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે તેની સીધી અને નકારાત્મક અસર સમગ્ર પાટીદાર સમાજ પર પડે છે. આટલું જ નહીં, સમાજના અન્ય કલાકારો જેઓ આ ક્ષેત્રમાં રાત-દિવસ પ્રામાણિકતાથી મહેનત કરી રહ્યા છે, તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી પર પણ આના કારણે ભારે માઠી અસર થાય છે.