મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ: ડૉક્ટરની મદદ વિના AI રોબોટે કર્યું સચોટ ઓપરેશન
- અમેરિકામાં જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોનો કમાલ, મૃત ડુક્કરનું પિત્તાશય સફળતાપૂર્વક કાઢ્યું
- 17 કલાકના વાસ્તવિક માનવ સર્જરી વીડિયો પરથી ટ્રેનિંગ લઈને રોબોટે મેળવી 100% સફળતા
- મૃત ડુક્કર પરના સફળ પ્રયોગ બાદ હવે જીવંત પ્રાણીઓ પર થશે ટેસ્ટિંગ, વીડિયો થયો વાઇરલ
સિટી ન્યુઝ @ બાલ્ટિમોર
અમેરિકાના બાલ્ટિમોર સ્થિત પ્રખ્યાત જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં 1 અદભુત અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંશોધકોએ એક એવી અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ વિકસાવી છે, જેણે કોઈપણ માણસ કે ડૉક્ટરની મદદ વિના એક મૃત ડુક્કરનું પિત્તાશય કાઢવાની સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. યુનિવર્સિટીના આ સર્જિકલ રોબોટે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે આ ઓપરેશન કર્યું હતું, જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભવિષ્યની AI ટેક્નોલોજીની અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે.
સંશોધકોએ આ દ્વિ-સ્તરીય AI મોડેલને ટ્રેનિંગ આપવા માટે 17 કલાકના વાસ્તવિક માનવ સર્જરીના વીડિયો ફૂટેજનો ઉપયોગ કર્યો હતો. આ સઘન તાલીમના આધારે સર્જિકલ રોબોટે લાઈવ વિઝ્યુઅલ ઈનપુટનું સચોટ અર્થઘટન કર્યું હતું. ઓપરેશન સમયે આ સર્જિકલ રોબોટે એટલી હદે સ્વાયત્તતા દાખવી કે તેણે 'બીજી નળીને ક્લિપ કરો' જેવા મૌખિક આદેશો પણ જાતે જ આપ્યા હતા. આ રોબોટે 17 અલગ અલગ સર્જિકલ કામ સાથેની 8 અલગ અલગ પ્રક્રિયામાં 100 ટકા સફળતાનો દર હાંસલ કર્યો છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ રોબોટ માત્ર માનવ સર્જનના આદેશોનું પાલન નથી કરતો, પરંતુ તે રિયલ ટાઈમમાં પોતાની ભૂલોને જાતે જ શોધીને તેને સુધારવાની ક્ષમતા ધરાવે છે. ટૂલ બદલવા જેવી લઘુત્તમ માનવ સહાય બાદ કરતા તેણે સંપૂર્ણ પ્રક્રિયા સ્વતંત્ર રીતે અનુસરી હતી. આ ઐતિહાસિક પ્રયોગના પરિણામો ગયા વર્ષે 'સાયન્સ રોબોટિક્સ જર્નલ'માં પ્રકાશિત કરાયા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે ભવિષ્યની મોટી ક્રાંતિના એંધાણ
ભલે જીવંત માણસ પર સંપૂર્ણ સ્વાયત્તતા સાથે સર્જરી કરવામાં હજુ થોડા વર્ષો લાગી શકે, પરંતુ આ સિદ્ધિ મેડિકલ જગત માટે એક મોટો માઈલસ્ટોન છે. સંશોધકો હવે જીવંત પ્રાણી પર પરીક્ષણોની યોજના બનાવી રહ્યા છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજી વિકસિત થવાથી જટિલ સર્જરીઓમાં માનવીય ભૂલોનો દર ઘટશે, સર્જિકલ ચોકસાઈ વધશે અને ડૉક્ટરોની ટીમ પર કામનો બોજ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે.