લખનઉમાં સુરતના તક્ષશીલા જેવો અગ્નિકાંડ, 15 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત
- એનિમેશન સેન્ટરમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, જીવ બચાવવા બાળકો બાથરૂમમાં છુપાયા હતા
- એસીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના, ડેપ્યુટી સીએમ પણ મૃતદેહો જોઈને રડી પડ્યા
- ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી, દીવાલ તોડીને સળગેલા મૃતદેહો બહાર કઢાયા
સિટી ન્યુઝ @ લખનઉ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સુરતના ગોઝારા તક્ષશીલા અગ્નિકાંડ જેવી જ હૃદયદ્રાવક ઘટના બની છે. સોમવારે બપોરે 2:15 વાગ્યાની આસપાસ અલીગંજ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ મૃતકોમાં મોટાભાગના કોચિંગ કરતા વિદ્યાર્થીઓ છે. આ બિલ્ડિંગના બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને પ્રથમ માળ પર પેટ શોપ તથા ક્લિનિક ચાલે છે, જ્યારે બીજા માળ પર 'લર્નિંગ સ્પેસ' નામની લાઇબ્રેરી અને 3D આર્ટ પ્રોડક્શનનું કામ કરતો 'હેડ હોપર સ્ટુડિયો' આવેલો છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા.
દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે આગની જ્વાળાઓ અને ધુમાડાથી બચવા માટે બીજા માળ પર રહેલા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા હતા, જ્યાં તેઓ ગૂંગળાઈ ગયા હતા. આગથી બચવા એક બાળકે પ્રથમ માળથી નીચે કૂદકો માર્યો હતો, પરંતુ તે નીચે લોખંડની ગ્રીલ પર પટકાતા અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ બેઝમેન્ટમાં રાખવામાં આવેલા AC માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ અને SDRF તેમજ NDRF ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ બિલ્ડિંગની પાછળની દીવાલ તોડીને ફસાયેલા લોકો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાસ્થળે એટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી કે મૃતકો અને ઘાયલોને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી ગઈ હતી. પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ પોતાની નજર સામે બહાર કઢાઈ રહેલા યુવાનોના મૃતદેહો જોઈને રડી પડ્યા હતા.
ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ઉલાળિયો લખનઉની આ દુર્ઘટનાએ ફરી એકવાર કોમર્શિયલ બિલ્ડિંગો અને કોચિંગ ક્લાસોમાં ફાયર સેફ્ટીના અભાવની ગંભીર પોલ ખોલી નાખી છે. સુરતના તક્ષશીલા કાંડ પછી પણ તંત્ર દ્વારા યોગ્ય બોધપાઠ લેવામાં આવ્યો નથી. સાંકડી જગ્યાઓ, વેન્ટિલેશનનો અભાવ અને શોર્ટ સર્કિટ જેવી બેદરકારીઓ માસૂમ વિદ્યાર્થીઓનો ભોગ લઈ રહી છે. તંત્ર દ્વારા આવી ઈમારતો પર કડક કાર્યવાહી અને સેફ્ટી ઓડિટ તાત્કાલિક ધોરણે અનિવાર્ય છે.