Loading Please Wait !!!
બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

  • ગોપાલગંજના પૈતૃક ગામમાં જૂની અદાવતમાં પાડોશીઓએ જ ધારદાર હથિયારથી વારદાતને અંજામ આપ્યો
  • ગંભીર હાલતમાં પટના AIIMS માં રિફર કરાયા, આરોપીઓને પકડવા પોલીસના દરોડા
  • માધોપુર થાણા વિસ્તારમાં પાડોશીઓનો આતંક, હુમલાખોરોને ઝડપી પાડવા સ્પેશિયલ ટીમની રચના

સિટી ન્યુઝ @ ગોપાલગંજ

પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવાર પર મોટું સંકટ આવી પડ્યું છે. ગોપાલગંજમાં તેમના મોટા ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર કેટલાક લોકોએ જીવલેણ હુમલો કર્યો છે, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોપાલગંજના માધોપુર થાણા વિસ્તારમાં આવેલા તેમના પૈતૃક ગામ બેલસંડમાં આ લોહીયાળ ઘટના બની છે. જૂની અદાવતની અદાવત રાખીને પડોશમાં રહેતા લોકોએ જ ધારદાર હથિયારો વડે આ ઘાતકી હુમલાને અંજામ આપ્યો છે. ધોળા દિવસે થયેલા આ હુમલા બાદ સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બિજેન્દ્ર નાથ તિવારીની હાલત અત્યંત નાજુક બતાવવામાં આવી રહી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક ગોપાલગંજની મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ન્યૂઝ વીડિયોમાં ત્યાંના તબીબો તેમની પ્રાથમિક સારવાર કરતા જોવા મળ્યા હતા. જોકે, ઈજાઓ અત્યંત ગંભીર હોવાને કારણે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન ઈલાજ માટે તેમને પટના સ્થિત AIIMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમના જીવ બચાવવા પ્રયાસ કરી રહી છે.

બીજી તરફ, આ સનસનીખેજ ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોર આરોપીઓની ઓળખ કરી લીધી છે. ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એક સ્પેશિયલ ટીમની રચના કરી છે અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરી છે. પોલીસે પંકજ ત્રિપાઠીના પરિવારજનો અને આસપાસના લોકોની સઘન પૂછપરછ શરૂ કરી છે. સઘન તપાસ બાદ જ આ હુમલા પાછળનું સાચું અને સચોટ કારણ બહાર આવશે તેમ પોલીસ જણાવી રહી છે.

 

બિહારમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી સવાલો ગોપાલગંજમાં બનેલી આ હિંસક ઘટના ફરી એકવાર રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. સામાન્ય માણસ તો ઠીક, પરંતુ સેલિબ્રિટીના પરિવારો પણ હવે પોતાના વતનમાં સુરક્ષિત નથી રહ્યા. જૂની અદાવતોમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના સીધા જ હથિયારો ઉગામવાની આ માનસિકતા સમાજ માટે ચિંતાનો વિષય છે. પોલીસે દાખલો બેસાડવો જરૂરી છે.