ખેડૂતો રસ્તા ઉપર; સંતો મૌન શા માટે ? સંતો મૌન કેમ?
મૌન કે મજબૂરી; સોશિયલ મીડિયામાં સંતો વિરૂધ્ધ પોસ્ટરો વાયરલ
ખેડૂત પોતાના હક માટે લડી રહ્યો છે, પણ ગુજરાતના મોટા સંતો હજુ સુધી ખેડૂતોના સમર્થનમાં આગળ કેમ નથી આવ્યા?
ખેડૂત નો પ્રશ્ન ત્યારે સંતો મૌન શા માટે?
-
અમને જોઈએ સાથ, સમર્થન અને અવાજ
-
અત્યાર થી મૌન નહીં ચાલે!
ખેડૂત દુઃખી છે, અન્યાય સામે લડી રહ્યો છે, તો પછી સંતોનું મૌન શું દર્શાવે છે?
– ગુજરાતના ખેડૂત પૂછે છે – અમારા સંઘર્ષમાં સંતોનો સાથ ક્યારે મળશે? ખેડૂત એકતા જિંદાબાદ | જય જવાન, જય ખેડૂત
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં ખેડૂત આંદોલન વચ્ચે હવે એક નવો અને તીખો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટર દ્વારા સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. “ખેડૂત પોતાના હક માટે રસ્તા પર છે, તો સંતો મૌન કેમ?” પોસ્ટરમાં ખેડૂતોની વ્યથા સ્પષ્ટ દેખાય છે. હજારો ખેડૂતો પોતાના અધિકારો માટે લડી રહ્યા છે, પરંતુ સમાજના પ્રભાવશાળી ધાર્મિક નેતાઓ તરફથી કોઈ ખુલ્લો સમર્થન કે અવાજ નથી જેને લઈને હવે અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે જ્યારે સમાજના અન્ય મુદ્દાઓ પર સંતો અવાજ ઉઠાવે છે,
ત્યારે ખેડૂતના પ્રશ્ને મૌન ધારણ કેમ? શું આ મૌન માત્ર નિષ્ક્રિયતા છે કે પછી કોઈ દબાણ? પોસ્ટરમાં લખાયેલું છે, “અમે જોઈએ સાથ, સમર્થન અને અવાજ”, “મૌન હવે ચાલશે નહીં” આ શબ્દો માત્ર ભાવના નહીં, પરંતુ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ગરમાવો વધ્યો છે. કેટલાક લોકો આને સીધો સત્તા અને સંસ્થાઓ પર દબાણ બનાવવા માટેનો પ્રયાસ માને છે, તો કેટલાક આને ખેડૂતોની વાજબી નારાજગી ગણાવે છે.હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું સંતો હવે મૌન તોડશે? કે ખેડૂતનો અવાજ એકલો જ રહેશે?
કલાકાર હકાભાની સરકારને હાથ જોડી વિનંતી
ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે...
એક-એક ખેડૂત પર પાંચ-પાંચ લાખનું દેણું છે
ગુજરાતના નામાંકિત કલાકારો પણ માત્ર તમાશો જોવે છે...
સિટી ન્યૂઝ@મોરબી
સમગ્ર મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોકડાયરના મંચ ઉપરથી “ખેડૂતોની માંગણીઓ પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી હતી.મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતર માટે થઈને લડત ચલાવવામાં આવી રહી છે અને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે આજે આમરણાંત આંદોલનનો પાંચમો દિવસ છે અને ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી
ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો જેમાં ન માત્ર મોરબી તાલુકો કે જિલ્લો પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને આ લોક ડાયરા દરમિયાન હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે "ખેડૂતોની જે માંગણી છે તે પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે" હાલમાં ખેડૂતો પોતાના હક માટે થઈને લડાઈ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે તેવી પણ વાત તેઓએ કરી હતી.