Loading Please Wait !!!
હાર્ટ એટેક તપાસ સમિતિ મામલે RTIમાં યુએન મહેતાનો ઉડાઉ જવાબ

 

  • વર્ષ 2023 માં ભારે ઉહાપોહ બાદ હાર્ટ એટેકથી થતા મોતની તપાસ માટે સરકારે કમિટી બનાવી હતી, જેની કામગીરી શૂન્ય

  • જાગૃત નાગરિક રમેશભાઈ જીલરીયાની આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો: 2021થી 2024ના મોતના આંકડા જ તંત્ર પાસે નથી !

  • ‘કમિટીનો નિર્ણય હજુ અનિશ્ચિત છે’ - યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યૂટના જાહેર માહિતી અધિકારીનો બેશરમ અને ગોળગોળ જવાબ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં યુવાનો અને હસતા-રમતા લોકો અચાનક હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બનીને ટપોટપ મોતને ભેટી રહ્યા છે. કોઈ પરિવાર પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવી રહ્યો છે, તો કોઈ ઘરનો મોભી. વર્ષ ૨૦૨૩ માં હાર્ટ એટેકના બનાવમાં અચાનક થયેલા ચિંતાજનક વધારાને પગલે રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. પ્રજાના રોષને શાંત કરવા તત્કાલીન આરોગ્ય મંત્રીએ તારીખ ૨૩/૧૦/૨૦૨૩ ના રોજ યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એક ખાસ તપાસ સમિતિ (કમિટી) બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ, આ ગંભીર મુદ્દે સરકાર અને હોસ્પિટલ તંત્ર કેટલું ઉદાસીન છે, તેનો સનસનીખેજ પર્દાફાશ એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈ (RTI) માં થયો છે.

જાગૃત નાગરિક રમેશભાઈ (રણમલભાઈ) જીલરીયા દ્વારા હાર્ટ એટેકના વધતા કારણો જાણવા માટે આરોગ્ય વિભાગમાં એક RTI દાખલ કરવામાં આવી હતી. આ અરજી તબદીલ થઈને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યૂટ ખાતે પહોંચી હતી. અરજદારે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન હાર્ટ એટેક અને કાર્ડિયાક

એટેકના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેનો સ્પષ્ટ આંકડો માંગ્યો હતો.

આશ્ચર્યજનક રીતે, જાહેર માહિતી અધિકારીએ અત્યંત ઉડાઉ અને ગોળગોળ જવાબ આપતા જણાવ્યું કે, “આવી માહિતી નિભાવવામાં આવતી નથી” અને “ઉક્ત સમયગાળાનું રેકોર્ડ ચકાસવું પડે. જ્યારે રાજ્યની સૌથી મોટી કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યૂટ પાસે જ હાર્ટ એટેકથી થયેલા મોતના સત્તાવાર આંકડા નથી, તો પછી સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ અત્યાર સુધી કયા ડેટાના આધારે તપાસ કરી હશે તે એક બહુ મોટો સવાલ છે.

RTI નો બીજો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે ૨૩/૧૦/૨૦૨૩ ના રોજ હાર્ટ એટેકના કારણો જાણવા બનાવેલી કમિટીએ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી ? તેની વિગતો આપવા જણાવાયું હતું.

જેના જવાબમાં જાહેર માહિતી અધિકારીએ બેશરમીથી સ્વીકાર્યું છે કે, “કમિટીનો નિર્ણય અનિશ્ચિત છે.” આ જવાબ સરકારની સંવેદનહીનતાનો જીવતો જાગતો નમૂનો છે. મહિનાઓ વીતી જવા છતાં કમિટી કોઈ જ તારણ પર પહોંચી શકી નથી અને પ્રજા હજુ પણ ગતના ભય હેઠળ જીવી રહી છે.

મુખ્ય 3 સવાલો અને તંત્રના બેશરમ જવાબો

  • સવાલ : વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન હાર્ટ એટેકથી કેટલા લોકોના મોત થયા?

  • તંત્રનો જવાબ: આવી માહિતી નિભાવવામાં આવતી નથી, રેકોર્ડ ચકાસવું પડે.

  • સવાલ : તારીખ 23/10/2023 ના રોજ બનાવેલી કમિટીએ કરેલી કાર્યવાહીનો રિપોર્ટ આપો.

  • તંત્રનો જવાબ: આ કમિટીનો નિર્ણય હજુ સુધી "અનિશ્ચિત" છે.

  • સવાલ : હાર્ટ એટેક પાછળ કોરોના વાયરસ, વેક્સિન કે અન્ય કથા કારણો જવાબદાર છે તેની તપાસ થઈ છે ખરી?

  • તંત્રનો જવાબ: કોઈ સ્પષ્ટ જવાબ નહીં, માત્ર ગોળગોળ વાતો કરી વાસ્તવિક માહિતી આપવાનો ઇન્કાર.

કોરોના વેક્સિન અને ટ્રીટમેન્ટ અંગે પણ મૌન

તીજા મુદ્દામાં અરજદારે પૂછ્યું હતું કે, શું હાર્ટ એટેક પાછળ કોરોના વાયરસ, કોરોનાની ટ્રીટમેન્ટ, વેક્સિન કે પછી નકલી ખાદ્ય પદાર્થો જવાબદાર છે કે કેમ? આ સવાલનો પણ કોઈ જ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. જાગૃત નાગરિકે બીજી વખત RTI કરી છતાં અધિકારીઓને આમાં કોઈ ‘જાહેર હિત’ દેખાતું નથી. આવા ગંભીર વિષયે તંત્રના આવા ગલગતલાં અને ગોળગોળ જવાબો જોઈને સામાન્ય માણસનું મગા કામ કરતું બંધ થઈ જાય તેવી દયનીય સ્થિતિ છે.

સરકાર જનતાને ગુમરાહ કરવાનું બંધ કરે: જાગૃત નાગરિકનો આક્રોશ

આરટીઆઈ કરનાર રમેશભાઈ જીલરીયાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, આ મોતના તલવાર સોના માથે ઝૂલી રહી છે. ક્યારે કોનો વારો આવી જાય તે કહી શકાય નહીં. સરકારે હાર્ટ એટેક રોડવા માટે શું પગલાં લીધા છે તે સાર્વજનિક કરવું જોઈએ. માત્ર ઉહાપોહ શાંત કરવા કમિટી બનાવવાનું નાટક કરવાને બદલે, સરકારે ભોગ બનનારના પરિવારને આર્થિક વળતર આપવું જોઈએ. તેમણે મિડીયાને પણ અપીલ કરી છે કે આ ઘોર બેદરકારી અને ગુમરાહ કરતી નીતિ ગુદ્દે સરકારને સીધા સવાલો કરવામાં આવે.