Loading Please Wait !!!
રાજ્યના 66માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

  • 1 મે 1960 ના રોજ અસ્તિત્વમાં આવેલું રંગીલું ગુજરાત આજે વૈશ્વિક નકશા પર ચમકી રહ્યું છે

સિટી ન્યૂઝ@રાજકોટ: આજે ૧ મે, ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાત અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ રાજ્યનો ૬૬મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ૧ મે, ૧૯૬૦ ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ભાષાના આધારે અસ્તિત્વમાં આવેલું ગુજરાત આજે ભારતના સૌથી વિકસિત અને સમૃદ્ધ રાજ્યોની યાદીમાં મોખરે છે. મહાગુજરાત આંદોલન અને ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં જે સપનું જોવાયું હતું, તે આજે સાકાર થઈ રહ્યું છે.
સમૃદ્ધ સંસ્કૃતિ અને સંતોની ભૂમિ: ગુજરાત માત્ર વેપારનું જ કેન્દ્ર નથી, પણ તે સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. નરસિંહ મહેતાના વૈષ્ણવ જન થી લઈને વીરપુરના જલારામ બાપાની અન્નસેવા સુધી, અને સ્વામિનારાયણ સંસ્થાના સદાચારથી લઈને સુદામા-કૃષ્ણની મિત્રતા સુધી--- ગુજરાતે વિશ્વને માનવતા અને નૈતિકતાનો પાઠ ભણાવ્યો છે. મેઘાણીની કસુંબલ લોકવાર્તાઓ અને નર્મદના રાષ્ટ્રપ્રેમથી ગુજરાતીઓનું લોહી આજે પણ ઉકળી ઉઠે છે.
કૃષિ અને ઉદ્યોગમાં અપ્રતિમ સફળતા: કૃષિ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. નર્મદા કેનાલ અને સરદાર સરોવર યોજનાએ ખેડૂતોના ખેતર સુધી નીર પહોંચાડીને હરિયાળી ક્રાંતિ લાવી છે. અમૂલના માધ્યમથી થયેલી શ્વેત ક્રાંતિએ પશુપાલકોને આત્મનિર્ભર બનાવ્યા છે. બીજી તરફ, હીરા ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલમાં ગુજરાતે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે.