ખેડૂતોને પોલીસની ધમકી આપી ખેતરોમાં પ્રાઇવેટ કંપનીના ‘ટાવર’ નાંખવામાં આવે છે
ટાવરનો ત્રાસ : કાયદાના બદલાવ માટે વિધાનસભામાં ઇટાલિયાએ બિલ રજૂ કર્યું
140 વર્ષ જૂના કાયદાથી ખેડૂતોને અન્યાય સરકાર બીલ બદલે: ગોપાલ ઇટાલિયા
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજળીના ટાવર અને થાંભલા નાખવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી આ ગંભીર સમસ્યા પર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે, ખેડૂતોની જમીન પર દાદાગીરી અને ગુંડાગીરી કરીને, પોલીસ પ્રશાસનને ભાડે લાવીને પ્રાઇવેટ કંપનીઓ પોતાના ટાવર ઊભા કરી રહી છે. આ અંગે તેમણે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના લેખિત જવાબમાં સામે આવ્યું છે કે માત્ર ૨ જિલ્લામાં ૨ વર્ષની અંદર ખાનગી કંપનીઓએ પોલીસ બંદોબસ્ત માટે ૧૮ કરોડ રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. આ સાબિત કરે છે કે પોલીસ કોઈ સરકારી કામ માટે નહીં પરંતુ ખાનગી કંપનીઓના ઓન-પેમેન્ટ બંદોબસ્ત માટે ખેડૂતોને ધમકાવવા આવે છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અંગ્રેજોએ વર્ષ ૧૮૮૫માં ખેડૂતોની જમીનો પચાવી પાડવા માટે જે ટેલિગ્રાફ કાયદો બનાવ્યો હતો, તેનો જ ઉપયોગ વર્તમાન સરકાર વર્ષ ૨૦૨૬માં કરી રહી છે. સમય બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ છે, પરંતુ કાયદો હજુ પણ ૧૪૦ વર્ષ જૂનો જ ચાલી રહ્યો છે.
ખેડૂતોના હક્કોની રક્ષા કરવા અને ન્યાયસંગત વળતર અપાવવા માટે તેમણે ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં એક નવો કાયદાકીય પ્રસ્તાવ (બિલ) રજૂ કર્યો છે. જો તમામ ધારાસભ્યો પક્ષભેદ ભૂલીને આ બિલના સમર્થનમાં વોટ આપશે, તો ખેડૂતોને તેમની જમીનની સાચી બજાર કિંમત મુજબનું વળતર મળી શકશે. પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, પ્રાઇવેટ કંપનીઓ ખેતરમાં ટાવર નાખીને આજીવન કરોડો-અબજો રૂપિયાનો નફો કમાય છે, જ્યારે ખેડૂતને માત્ર એક જ વાર નજીવું વળતર આપીને સંતોષ માનવો પડે છે. ખેતરમાં ટાવર આવવાના કારણે જમીનની માર્કેટ વેલ્યૂ શૂન્ય થઈ જાય છે, ભવિષ્યમાં વારસદારો વચ્ચે જમીનના ભાગબટાવ કરવામાં મુશ્કેલી પડે છે અને રહેણાંક કે વ્યાપારી બાંધકામ કરવાના તમામ આકાશીય અધિકારો છીનવાઈ જાય છે. આ ઉપરાંત, દર વર્ષે મેન્ટેનન્સના નામે કંપનીના વાહનો ખેતરમાં આવીને ઊભા પાકને નુકસાન પહોંચાડે છે, જેનું કોઈ વળતર મળતું નથી. સામાન્ય ખેડૂતોના ભોગે પ્રભાવશાળી વ્યક્તિઓના ખેતરો બચાવી લેવાતા હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા છે.