Loading Please Wait !!!
રાજકોટના વતની H.P.દોશીને DySpમાંથી SPનો તાજ

સાચા કામની સાચી કદર: રાજ્યમાંથી 4 અધિકારીઓને મળ્યુ પ્રમોશન

અગાઉ રાજકોટમાં ACBના પૂર્વ DySp તરીકે પ્રશંસનીય કામગીરીની નોંધ લેવાઈ હતી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્ય પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ પ્રશાસકીય ફેરફાર હેઠળ ગૃહ વિભાગે ચાર ડીવાયએસપીને એસપી તરીકે પ્રમોશન આપ્યું છે. આ યાદીમાં રાજકોટના વતની અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં પ્રશંસનીય કામગીરી બજાવનાર એચ.પી. દોશીનો સમાવેશ થવો વિશેષ નોંધપાત્ર છે. ઈમાનદારી અને કડક કામગીરી માટે ઓળખાતા એચ.પી. દોશી હાલ પોલીસ ટ્રેનિંગ સેન્ટર, ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેમના પ્રમોશનને લઈને પોલીસ વિભાગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

દોશી ઉપરાંત અન્ય ત્રણ અધિકારીઓને પણ એસપી તરીકે ઉન્નતિ આપવામાં આવી છે. જેમાં ઓએનજીસી-મહેસાણા ખાતે કાર્યરત અનામત પોલીસ દળ, જૂથ-૧૫ના મદદનીશ સેનાપતિ પી.વી. રાવલ, પોલીસ હેડ ક્વાર્ટર-ગોધરામાં ફરજ બજાવતા બી.એલ. દેસાઈ તેમજ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં મદદનીશ નિયામક તરીકે સેવાઓ આપતા જી.વી. પઢેરિયા સામેલ છે.

ગૃહ વિભાગના આદેશ અનુસાર, ચારેય અધિકારીઓને હાલમાં તેમના મૂળ સ્થાન પર જ યથાવત રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં જિલ્લા પોલીસ વડાઓની બદલી દરમિયાન આ અધિકારીઓને અલગ-અલગ જિલ્લાઓમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ પ્રમોશનને પોલીસ વિભાગમાં સાચા કામની કદર તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં ઈમાનદાર અને કાર્યક્ષમ અધિકારીઓને યોગ્ય માન્યતા આપવામાં આવી છે.