દેશની રક્ષા હવે ગુજરાતના હાથમાં!
Make In Indiaને બૂસ્ટ : હજીરામાં તૈયાર થશે દેશની તાકાત
ગુજરાતમાં બની દેશની રક્ષા માટેની ટેન્ક : PM મોદીએ હજીરાની હથિયારી ફેક્ટરીમાં સ્વદેશી જોરાવર ટેન્ક સહિતના ડિફેન્સ સાધનોનું નિરીક્ષણ કર્યું
સિટી ન્યૂઝ@સુરત
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (૫ જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
PM મોદી સુરતના ઈન્ડોર સ્ટેડિયમ પહોંચી ગયા છે. ત્યાં જાહેર કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે અને જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ પીએમ ૬:૧૫ વાગ્યા આસપાસ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે રૂ. ૩૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આજના દિવસે વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના ૭ જિલ્લાઓ માટે અંદાજીત રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ ૮ વિભાગોના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.૧૩,૯૨૬ કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ.૪,૮૫૨ કરોડના વિવિધ ૫ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
CM ૨ કારના કાફલા સાથે પહોંચ્યા છે, તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યાં. પોલીસ પણ ઈ-બાઈક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમના નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધી છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં પણ ૧૪૦ કરોડ દેશવાસીઓનો ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. પીએમએ બે પગલા આગળ વિચારીને ક્લાયમેન્ટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે.
હર્ષ સંઘવીની સાયકલ યાત્રા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં છે ત્યારે પેટ્રોલ-ડીઝલ બચાવવાના સંદેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રા નીકળી હતી. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી નીકળેલી સાયકલ યાત્રામાં ડાયમંડ ઉદ્યોગકારો, સુરત પોલીસ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, મનપાના અધિકારીઓ જોડાયા હતા. ૨૦૦૦થી વધુ લોકો સાયકલ ઉપર યાત્રા કાઢી સભા સ્થળે પહોંચશે.
L&T પ્રિસિઝન એન્જિનિયરિંગમાં ‘જોરાવર લાઈટ ટેન્ક’નું શક્તિપ્રદર્શન
પીએમ મોદી હજીરા ખાતે L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત દરમિયાન ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર ‘જોરાવર લાઈટ ટેન્ક’નું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવેલી આ લાઈટ યુદ્ધ ટેન્ક લદાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. ૧૯મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવરસિંહના નામ પરથી સન્માનિત આ ટેન્કનું વજન માત્ર ૨૫ ટન છે. ઓછા વજનના કારણે આ ટેન્કને ભારતીય સેનાના વિમાન કે હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે.
‘તીર ડ્રોન’ એર ડિફેન્સ અને CIWS રડાર સિસ્ટમ પ્રોજેક્ટનું નિરીક્ષણ
પીએમ મોદીના હજીરા પ્રવાસમાં આકાશમાંથી આવતા સંકટોને ઝડતી નવી ટેકનોલોજી પણ કેન્દ્રસ્થાને રહેશે. તેઓ અહીં ‘તીર ડ્રોન એર ડિફેન્સ સિસ્ટમ’ પ્રોજેક્ટ નિહાળશે. આ એક અત્યંત પ્રભાવશાળી માનવરહિત એરિયલ ટાર્ગેટ (ડ્રોન સિસ્ટમ) છે, જેને રક્ષા ક્ષેત્રમાં એન્ટી-મિસાઈલ અને આધુનિક હથિયારોના પરીક્ષણ માટે વિશેષરૂપે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે પીએમ ‘CIWS પ્રોજેક્ટ’ની પણ સમીક્ષા કરશે. આ એક સ્વદેશી રડાર અને રક્ષા પ્રણાલી છે.
અત્યાધુનિક ‘કે૧ વજ્ર’ હોવિત્ઝર ગન ફેસિલિટીની મુલાકાત
સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા ચકાસવા માટે પીએમ હજીરામાં આવેલી પ્રખ્યાત ‘કે૧ વજ્ર હોવિત્ઝર (howitzer) ગન’ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની પણ મુલાકાત લેવાના છે. ભારતીય સેનાના ભાથામાં સામેલ આ અત્યાધુનિક ૧૫૫ મીમી પર કેલિબરની સ્વ-સંચાલિત હોવિત્ઝર તોપ તેની સચોટ મારક ક્ષમતા માટે જાણીતી છે. યુદ્ધના મેદાનમાં ભારે વજન હોવા છતાં અત્યંત ઝડપથી આગળ વધવાની અને ગમે તેવા વિષમ વાતાવરણમાં દુશ્મનના સૈન્ય પર પલકવારમાં ત્રાટકવાની આ તોપની ક્ષમતા તેને ભારતીય સૈન્યનું અભિન્ન અંગ બનાવે છે.