Loading Please Wait !!!
બેરોજગારીએ ‘કિન્નર’ બનાવ્યા

મુસાફરોને ડરાવી વસૂલી કરતા; RPFએ ઉઘાડ્યો ચોંકાવનારો કાંડ

ગેંગ બનાવી ટ્રેનોમાં રૂપિયા ઉઘરાવતા!

  • » 120 લોકો પકડાયા : મોટાભાગના કિન્નરો યુવક નીકળ્યા

  • » મહિને દરેક વ્યક્તિના ભાગમાં 60,000 રૂપિયા આવતા

  • » યુવકમાંથી 8 કલાક યુવતી બનો એટલે વર્ષે 7.20 લાખનું પેકેજ

સિટી ન્યૂઝ@લખનૌ

બેરોજગારી યુવાનોને એવા રસ્તાઓ પર ધકેલી રહી છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જબલપુર રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મુસાફરો પાસેથી પૈસા વસૂલતા કિન્નરો અંગે રેલવે સુરક્ષા બળ (RPF) ની કાર્યવાહીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્રેનોમાં ફરતા ઘણા કિન્નરો વાસ્તવમાં યુવકો છે, જેઓ માત્ર આસાન કમાણી અને આર્થિક તંગીના કારણે નકલી રૂપ ધારણ કરીને ફરી રહ્યા છે. RPF એ છેલ્લા ૬ મહિનામાં આશરે ૧૨૦ થી વધુ લોકોને પકડ્યા છે, જેમાંના ૬૦ ટકા એટલે કે ૬૦ થી વધુ લોકો યુવકો નીકળ્યા છે. ટ્રેનોમાં જબરદસ્તી વસૂલીની સતત મળતી ફરિયાદો બાદ RPF એ ૩ જૂનના રોજ એક ખાસ ચેકિંગ અભિયાન ચલાવીને ત્રણ શંકાસ્પદ કિન્નરોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું છે આ ત્રણેય મહિલા કે કિન્નર નથી પરંતુ સારી પરિસ્થિતિના યુવકો છે જેઓ વેશપલટો કરીને મુસાફરોને ઠગી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં કાનપુરનો રહેવાસી આશિષ (બદલાયેલું નામ-આશી), મહેશ (માહી) અને પિંચુ (તસ્સમ) સામેલ છે. આ યુવકો જબલપુરના ગાયત્રી નગરમાં ભાડેથી રૂમ રાખીને સાથે રહે છે અને ઘરથી સામાન્ય છોકરાઓની જેમ પેન્ટ-શર્ટ પહેરીને નીકળે છે, પરંતુ રેલવે સ્ટેશન પહોંચતા પહેલા કોઈ સુરક્ષિત જગ્યાએ સાડી કે સૂટ પહેરી, માંગમાં સિંદૂર લગાડી અને ભારે મેકઅપ કરીને કિન્નરનું રૂપ ધારણ કરી લે છે. તેમની ચાલવા-બોલવાની રીત એટલી સચોટ હોય છે કે સામાન્ય મુસાફરો તો ઠીક પણ પોલીસ પણ છેતરાઈ જાય છે.

આરોપી આશિષે જણાવ્યું કે તે નોકરી માટે ઘણા શહેરોમાં ભટક્યો પણ કામ ન મળતા સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને આ રસ્તો અપનાવ્યો. મુસાફરોના ડર અને સંકોચનો ફાયદો ઉઠાવીને આ લોકો પ્રતિ પેસેન્જર ૧૦ થી ૧૦૦ રૂપિયા સુધી વસૂલે છે, જેથી તેમની રોજના ૧,૫૦૦ થી ૨,૦૦૦ રૂપિયાની કમાણી થઈ જાય છે. જો કોઈ મુસાફર રોકડા પૈસા ન હોવાનું બહાનુ કાઢે તો તેઓ તરત જ ઓનલાઈન પેમેન્ટ માટે ક્યૂઆર (QR) કોડ સામે ધરી દે છે. RPF ના અધિકારીઓએ જણાવ્યું કે આ ધંધામાં વગર કોઈ રોકાણે એટલી મોટી અને સહેલી કમાણી છે કે કેટલાક યુવકો હવે લિંગ પરિવર્તન (જેન્ડર ચેન્જ) ઓપરેશન કરાવવાની પણ વાત વિચારી રહ્યા છે. આરોપીઓ સારી રીતે જાણે છે કે રેલવે એક્ટ હેઠળ પકડાયા પછી કોર્ટમાંથી સરળતાથી અને બહુ જલ્દી જામીન મળી જાય છે, અને આ જ નબળા કાયદાનો ફાયદો ઉઠાવી તેઓ બેખોફ ફરી રહ્યા છે. RPF પોસ્ટ ઈન્ચાર્જ રાજીવ ખરબે જણાવ્યું કે પકડાયેલા મોટાભાગના યુવકો ઉત્તર પ્રદેશ અને બિહારના વતની છે, જેમણે જબલપુર, કટની, નરસિંહપુર અને ઈતારસી જેવા રેલવે જંક્શન વિસ્તારોમાં ગેંગ બનાવી રાખી છે. આ ખુલાસા બાદ અસલી કિન્નર સમુદાયે પણ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. જબલપુરના માહી કિન્નરનું કહેવું છે કે આ નકલી કિન્નરો અને છોકરાઓની ટોળકીઓ ટ્રેનોથી લઈને મહોલ્લાઓ સુધી લોકો સાથે અભદ્ર વર્તન અને જબરદસ્તી વસૂલી કરે છે, જેના કારણે અસલી કિન્નર સમાજની બદનામી થાય છે અને લોકો તેમને ખોટા સમજવા લાગે છે, તેથી વહીવટી તંત્રે આવા ઠગો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.