Loading Please Wait !!!
રેસકોર્સ લાઈટિંગ પ્રોજેક્ટ પેન્ડિંગ 85 કરોડના નવા કામોને ગ્રીન સિગ્નલ

રાજકોટ મનપાની નવનિયુક્ત શાસકોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી

કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ પાસે આવેલ જીમનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત નામંજૂર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસકોની પ્રથમ અને મહત્વની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ દરખાસ્તોમાંથી બહુમતી દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી છે, જ્યારે બિનજરૂરી ખર્ચ અટકાવવા અને તકનીકી અસ્પષ્ટતાના કારણે કેટલીક દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે તેમજ એક દરખાસ્તને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જેમાં હાલ ખર્ચ પર કાપ મૂકવાના હેતુથી રેસકોર્સ લાઈટિંગ પ્રોજેક્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. તેમજ જીમનું સંચાલન ખાનગી પેઢીને સોંપવાની દરખાસ્ત ફગાવવામાં આવી હતી. જોકે રાજકોટમાં ૭ માળનું નવું ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવા સહિત રૂ. ૮૫ કરોડનાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે, કમિટી સમક્ષ રજૂ થયેલી કુલ ૨૪ દરખાસ્તોમાંથી ૨૧ દરખાસ્તોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ૨ દરખાસ્તોને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને ૧ દરખાસ્તને ના-મંજૂર કરવામાં આવી છે. આજે રૂ. ૮૯.૩૬ કરોડની વિવિધ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં આશરે રૂ. ૮૫ કરોડના વિકાસકાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ મંજૂર થયેલા કામોમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વોર્ડ નં. ૧૪ના નાગરિકોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો ઉજવવા માટે સ્થાનિક સ્તરે ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પારડી રોડ પર શેઠ હાઈસ્કૂલની બિલકુલ સામે આવેલી ટી.પી. સ્કીમ નં. ૫, એફ.પી. નં. ૨૩૦ વાળી જમીન પર એક નવો ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૦.૫૩ કરોડનું ટેન્ડર મંજૂર કરીને ચિત્રા કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપવાની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. પ્રસ્તાવિત કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખવામાં આવશે. પ્રથમ માળે અંદાજીત ૧૯૦૦ ચોરસ મીટરના સ્લેબ એરિયામાં એક મોટો નોન-એસી હોલ અને બીજા માળે પર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટ્રલી એર કન્ડીશન્ડ હોલ તૈયાર કરાશે. તેમજ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને પ૫૦ ચોરસ મીટર એરિયામાં બોક્સ કલવર્ટ બનાવવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે.

શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને કટોકટીના સમયે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી થઈ શકે તે હેતુથી પારડી રોડ પર જ શેઠ હાઈસ્કૂલની સામે, ટી.પી. સ્કીમ નં. ૫, એફ.પી. નં. ૨૩૧ વાળી જગ્યા પર એક નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ માટેના રહેણાંક ક્વાર્ટર્સ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજીત ૭૪૮૦ ચોરસ મીટર જેટલા વિશાળ એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ ૭ માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ બિલ્ડિંગમાં ભોંયતળિયે ફાયર ફાઈટર વાહનોની અવરજવર અને કંટ્રોલ રૂમ સહિત ફાયર સ્ટેશનને લગતી તમામ અદ્યતન સગવડતાઓ ઊભી કરાશે. કટોકટીના સમયે ફાયરનો સ્ટાફ ૨૪ કલાક ઘટનાસ્થળે પહોંચવા માટે તત્પર રહી શકે તે માટે આ જ બિલ્ડિંગમાં ઉપરના માળે ૨ BHKના કુલ ૫૦ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે.